એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં ઘરે જ બાળકનો જન્મ થઈ ગયો હતો
આજે વહેલી સવારે મેટોડા 108 એમ્બ્યુલન્સને મોટાવડા ગામના વાડી વિસ્તારમાંથી સગર્ભાની ડીલેવરી અંગેનો કોલ મળ્યો હતો. 108 ની ટીમ તુરંત રવાના થઈ હતી, પરંતુ વાડી વિસ્તાર તરફ જતો રસ્તો અત્યંત ખરાબ હોવાથી એમ્બ્યુલન્સ ફસાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ દરમિયાન સગર્ભાને તીવ્ર દુખાવો થઈ રહ્યો હતો. સ્થળ પરથી કોલ દ્વારા જાણ કરવામાં આવી કે એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં ઘરે જ બાળકનો જન્મ થઈ ગયો છે, જેથી તાત્કાલિક મદદની જરૂૂર છે.
પરિસ્થિતિની ગંભીરતા અને સમયસૂચકતા ધ્યાનમાં રાખીને 108 ના ઈએમટી વ્યોમા ભીલવાળા અને ડ્રાઈવર મહેશભાઈ વઘેરા જરૂૂરી સાધન-સામગ્રી સાથે અંદાજિત 500 મીટર જેટલું અંતર દોડીને વાડી સુધી પહોંચ્યા હતા. રસ્તાની અડચણ હોવા છતાં 108 સ્ટાફે સમયસર પહોંચીને નવજાત બાળકને જરૂૂરી સારવાર આપી હતી. સાથે જ માતાને પણ જરૂૂરી ઈન્જેક્શન અને પ્રાથમિક સારવાર પૂરી પાડી માતા અને બાળક બંનેનો જીવ બચાવી લીધો હતો.
વાહન જઈ શકે તેમ ન હોવાથી, માતા અને નવજાત બાળકને સુરક્ષિત રીતે બળદગાડામાં બેસાડીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ત્યાંથી 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને વધુ તબીબી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 108 ની આ ત્વરિત કામગીરી અને બળદગાડાની મદદથી એક મોટી દુર્ઘટના અટકી હતી.
