ભાવનગરના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના પ્રકરણે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. આ કેસમાં SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની તપાસ દરમિયાન લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની સંડોવણી ખુલતા, ગત 24 જાન્યુઆરીએ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે માયાભાઇ આહીરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહી રહ્યાં છેકે, જે થઇ રહ્યું છે તે બરોબર થઇ રહ્યું છે. જોકે જે વીડિયો વાયરલ થયો છે તેની પૃષ્ટિ ગુજરાતી જાગરણ કરતું નથી.
મુંબઇમાં માયાભાઈ આહીર દ્વારા બગદાણાના ટ્રસ્ટી અંગે વાત કરી હતી. જેનો બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ માયાભાઈએ પોતાનાથી ભૂલ થઇ હોવાનું જણાવી માફી માગી હતી. જોકે આ સમગ્ર ઘટનાક્રમ બાદ નવનીત બાલધિયા પર કેટલાક શખ્સો દ્વારા હુમલો કરાયો હતો. આ હુમલો માયાભાઇ આહીરના પુત્ર જયરાજ દ્વારા કરાવવામાં આવ્યો હોવાનું નવીનતે કહ્યું હતું.
સમગ્ર મામલે કોળી સમાજમાં ભારે રોષ પ્રવત્યો હતો અને સીટની રચના કરવામાં આવી હતી. સીટ દ્વારા માયાભાઇ આહીરના પુત્ર જયરાજની પૂછપરછ કરવામાં આવી હતી અને બાદમાં ધરપકડ કરી હતી. જયરાજને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને જેલમાં મોકલવામાં આવ્યો છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં માયાભાઇ આહીરનો એક વીડિયો તેની પ્રથમ પ્રતિક્રિયાના રૂૂપમાં વાયરલ કરવામાં આવી રહ્યો છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં શ્રીમદ ભગવદ ગીતાના સારનો ઉલ્લેખ કર્યો છે અને ગીતાના કર્મનો સિદ્ધાંત વિશે જણાવે છે.
વાયરલ વીડિયોમાં માયાભાઈ આહીર કહી રહ્યાં છેકે, હું ગીતાને માનનારો માણસ છું. કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું. હે અર્જુન જે થયું એ પણ બરાબર થયું, જે થઈ રહ્યું છે તે પણ બરાબર થઈ રહ્યું છે અને જે થશે એ પણ બરાબર થશે. બસ આ દ્વારકાધીશનું કહેવું છે, મારું નહીં.
