સુપ્રીમ કોર્ટ તરફથી ઈચ્છામૃત્યુ માટે મંજૂરી મેળવનાર હરીશ રાણાએ દિલ્હીના એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા છે. 31 વર્ષના હરીશ 13 વર્ષથી કોમામાં હતા. સુપ્રીમ કોર્ટે 11 માર્ચે ઇચ્છામૃત્યુની મંજૂરી આપી હતી.
મળતી વિગતો અનુસાર ગાઝિયાબાદના રહેવાસી હરીશ રાણાને 14 માર્ચે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. 15 માર્ચથી તેમનો પ્રવાહી ખોરાક અને 17 માર્ચથી પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું.
હરીશ રાણા લગભગ 13 વર્ષથી કોમામાં હતા, અને તેમની સ્થિતિ સતત બગડતી જતી હતી. તબીબી સારવાર છતાં જ્યારે સ્વસ્થ થવાની શક્યતા ઓછી થઈ ગઈ અને નાણાકીય બોજ વધુને વધુ ભારે થતો ગયો, ત્યારે તેમના માતાપિતાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. કોર્ટે તેમને ઈચ્છામૃત્યુ માટે પરવાનગી આપી. ભારતમાં આ પ્રકારનો આ પહેલો કેસ છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એઈમ્સના ડોક્ટરોએ હરીશ રાણાનો લાઈફ સપોર્ટ હટાવવા માટે વિશેષ પ્લાન તૈયાર કર્યો હતો. આ પ્રક્રિયા દરમિયાન દર્દીની ગરિમા જળવાઈ રહે તે માટે ડો. સીમા મિશ્રાના નેતૃત્વમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ સતત દેખરેખ રાખી રહી હતી. એનેસ્થેસિયાના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, આ પ્રક્રિયામાં પોષણ ધીમે ધીમે ઘટાડીને બંધ કરવામાં આવે છે અને પીડા રાહતની દવાઓ ચાલુ રખાય છે.
હરીશ રાણા ૧૩ વર્ષથી કોમામાં હતા. હરીશ રાણા વર્ષ 2013માં પંજાબ યુનિવર્સિટીમાં B.Techના વિદ્યાર્થી હતા ત્યારે તેઓ આકસ્મિક રીતે છત પરથી પડી ગયા હતા. તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેઓ કોમામાં સરી પડ્યા હતા. તેમના માતા-પિતાએ દેશની અનેક અગ્રણી હોસ્પિટલોમાં તેમની સારવાર કરાવી હતી, છતાં હરીશ કોમામાંથી બહાર આવી શક્યા ન હતા. બધા અગ્રણી તબીબી નિષ્ણાતોએ હરીશના સ્વસ્થ થવાની કોઈ શક્યતાને નકારી કાઢી હતી. તેમ છતાં, તેમની સારવાર ૧૩ વર્ષ સુધી ચાલુ રહી. હરીશની તબીબી સંભાળનો માસિક ખર્ચ આશરે ₹૬૦,૦૦૦ થી ₹૭૦,૦૦૦ જેટલો હતો. આ સમય સુધીમાં પરિવાર આર્થિક રીતે થાકી ગયો હતો. જ્યારે હરીશના સ્વસ્થ થવાની બધી આશા ખતમ થઈ ગઈ, ત્યારે તેમના પરિવારના સભ્યોએ કોર્ટનો સંપર્ક કર્યો, જ્યાં તેમને ઈચ્છામૃત્યુની મંજૂરી આપવામાં આવી.
