બાવળિયા બાદ હવે દિલ્હીમાં સોલંકી જૂથનું શક્તિ પ્રદર્શન

અખિલ ભારતીય કોળી સમાજનું રાષ્ટ્રીય સંગઠન અત્યારે બે ફાંટામાં વહેંચાયેલું જોવા મળી રહ્યું છે. સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચાલી રહેલી આંતરિક ખેંચતાણ હવે જાહેરમાં…

અખિલ ભારતીય કોળી સમાજનું રાષ્ટ્રીય સંગઠન અત્યારે બે ફાંટામાં વહેંચાયેલું જોવા મળી રહ્યું છે. સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચાલી રહેલી આંતરિક ખેંચતાણ હવે જાહેરમાં આવી ગઈ છે. ગત 14 જૂને દિલ્હીમાં કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું અને હવે અખિલ ભારતીય કોળી સમાજનું બીજું અધિવેશન 21જૂને દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમમાં મળશે. પરિણામે દિલ્હીમાં ટૂંકા ગાળામાં બે અલગ-અલગ રાષ્ટ્રીય અધિવેશન બોલાવવામાં આવતા સમાજમાં ભારે ચર્ચા જાગી છે.

તાજેતરમાં ગત 14 જૂનના રોજ કુંવરજીભાઈ બાવળીયા દ્વારા દિલ્હીમાં એક અધિવેશન બોલાવવામાં આવ્યું હતું. હવે પૂર્વ સાંસદ વીરેન્દ્ર કશ્યપ દ્વારા આગામી 21 જૂનના રોજ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે બીજા રાષ્ટ્રીય અધિવેશનનું એલાન કરવામાં આવ્યું છે. વીરેન્દ્ર કશ્યપનું આ અધિવેશન તેમના ’સમાજ શક્તિ પ્રદર્શન’ તરીકે જોવામાં આવી રહ્યું છે, જેમાં કુંવરજીભાઈ બાવળીયાને એક રીતે પડકાર ફેંકવામાં આવ્યો હોવાની ચર્ચાઓ રાજકીય ગલિયારાઓમાં તેજ બની છે.21 જૂનના આ અધિવેશનને ભવ્ય બનાવવા માટે ગુજરાતના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ કનુભાઈ પટેલ દ્વારા સમાજને ’ચાલો દિલ્હી’નું ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.

પૂર્વ તૈયારીઓના ભાગરૂૂપે રાષ્ટ્રીય અધ્યક્ષ વીરેન્દ્ર કશ્યપ, કનુભાઈ પટેલ અને રાષ્ટ્રીય ઓર્ગેનાઈઝર કિશોરભાઈ શેખે તાલકટોરા સ્ટેડિયમની સ્થળ મુલાકાત પણ લીધી છે. વીરેન્દ્ર કશ્યપે વીડિયો સંદેશ દ્વારા સમાજને મોટી સંખ્યામાં એકત્ર થવા આહવાન કર્યું છે, ત્યારે આ અધિવેશનમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના હોવાથી તેનું મહત્વ વધુ વધી ગયું છે.એક જ સમાજ અને એક જ સંગઠનના બે અલગ-અલગ અધિવેશન થવાથી કોળી સમાજનું રાષ્ટ્રીય સંગઠન હાલ વિવાદના વંટોળમાં ફસાયું છે. 21 જૂનના કાર્યક્રમ બાદ સમાજના આંતરિક સમીકરણો કઈ દિશામાં વળશે, તેના પર સૌની નજર ટકેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *