સિદસર ઉમિયાધામ શ્રી1ા શતાબ્દી મહોત્સવમાં ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝાની પાટીદારોને શીખ
મા ઉમિયાના દિવ્ય દર્શનનો લાભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ લીધો, અનેક મહાનુભાવો જોડાયા
આલેચ પર્વતમાળાની ગોદમાં વેણું નદીના તટ પર આવેલા કડવા પાટીદારના કુળદેવી માં ઉમિયાના સાનિધ્યમાં યોજાયેલ શ્રી 1મ શતાબ્દી મહોત્સવમાં ત્રણ દિવસમાં લાખો પાટીદારોએ વિવિધ સંમેલનો, પ્રદર્શનો, યજ્ઞ અને માં ઉમીયાના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. આજે ચોથા દિવસે કર્મયોગી સંમેલનમાં સનદી અધિકારીઓ સમાજ વિકાસ થકી રાષ્ટ્ર વિકાસમાં સહભાગી થવાનો સુર વ્યકત કર્યો હતો. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે માં ઉમીયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
માં ઉમિયાની આરાધના થકી સરસ્વતીની સાધનાના સુત્ર સાથે યોજાયેલા શ્રી 1મ શતાબ્દી મહોત્સવમાં આજે શનિવારે સવારના સત્રમાં કર્મયોગી સંમેલનમાં ગુજરાતભરના સનદી અધિકારી, સૌરાષ્ટ્રભરના પાટીદાર શિક્ષકો, સરકારના વિવિધ ખાતામાં ઉચ્ચ હોદા પર ફરજ બજાવતાં કર્મચારી અધિકારીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. શ્રી ઉમિયા માતાજી મંદિર-સિદસરની વિવિધ સમાજલક્ષી યોજનામાં પ્રત્યેક કે પરોક્ષ સહયોગ આપવાની ભાવના સાથે કર્મયોગી સંમેલન યોજાયું હતું.
કર્મયોગી સંમેલનમાં પોરબંદર સાંદિપની આશ્રમના ભાગવતચાર્ય રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતુ કે, ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્રારા કડવા પાટીદાર સમાજના ઉત્થાન માટે થતા સામાજિક વિકાસના કાર્ય એ જ માં ઉમિયાની સાચી આરાધના છે. પાટીદાર સમાજમાં કર્મશીલતા જોવા મળે છે. માનવદેહ દેવતાઓ માટે દુલર્ભ છે. સમાજમાં પદ, પૈસા, પ્રતિષ્ઠા પામ્યા હોય ત્યારે પ્રમાણિક રીતે સામાજને પાર્ટનર ગણી પરત આપવામાં પાછીપાની કરવી ન જોઇએ. તેવી શીખ આપી હતી.
રમેશભાઇ ઓઝાએ સંમેલનમાં પાટીદારોને સંબોધતા કહયુ હતું કે, ઈશ્વરે આપેલી ભુમીકા નિષ્ઠાથી અદા કરી કર્મયોગી બની રાષ્ટ્ર નિમાર્ણમાં સહભાગી થવું જોઈએ. સમાજમાં બુધ્ધિશાળી ધનપતિઓએ છેવાડાના પીડીત માણસની પણ ચિંતા-ચિંતન કરવું જોઇએ. સ્વાર્થપુર્તીતા સાથે દેશ કલ્યાણ ન થઇ શકે. વ્યકિતઓનો સમુહ નહિ પરંતુ સમજયુકત સમાજ રાષ્ટ્રનિર્માણ કરી શકે.
ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્રારા પાટીદાર સમાજના ઉત્થાન માટે અમલી બનાવાયેલ 400 કરોડની ઉમિયા સમુધ્ધિ યોજના-3 ના ચેરમેન તથા કર્મયોગી સંમેલન ના અધ્યક્ષની બી.એચ.ધોડાસરા (પૂર્વ કલેકટર)એ જણાવ્યું હતું કે, દાતાઓના દાન અને કર્મયોગીના પુરૂૂષાર્થ થકી શ્રી ઉમીયા સમૃધ્ધિ યોજના-3 માં રાજકોટ અને અમદાવાદમાં શૈક્ષણિક ભવનો નિમાર્ણ પામશે. પાટીદાર સમાજની આવનારી પેઢી શિક્ષીત બની આત્મનિર્ભર ભારતના નિમાર્ણમાં પોતાનું યોગદાન આપે તેવી નેમ વ્યકત કરી હતી. કર્મયોગી સંમેલનમાં સમૃધ્ધિ યોજના-ર અને સમૃધ્ધિ યોજના-3 માં દાનઆપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યુ હતું.
કર્મયોગી સંમેલનમાં સી.જે.પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના યુવાનો વધુ ને વધુ સંખ્યામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉતીર્ણ થઇ સનદી અધિકારીઓ બની છેવાડાના માનવીને ઉપયોગી થઈ ખરા અર્થમાં કર્મયોગી બને તેવી નેમ વ્યકત કરી હતી. મહિલા ડી.વાય.એસ.પી. તેજલબેન પટેલે શ્રી ઉમિયા માતાજી મંદિર દ્વારા ચાલતા આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર થકી પોતાના સહીત અનેક યુવાનોની કારકીર્દી માટે ઉપયોગી બન્યું છે. ત્યારે સમાજના ઋણી હોવાનું જણાવ્યું હતું.
રાષ્ટ્રીય સેવક સંધના મહેશભાઈ જીવાણી અતિથિ વિશેષ તરીકે જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી ભુપતભાઈ ગોવાણી તથા સર્વ સમાજના સમગ્ર સૌરાષ્ટ્રના સમાજ શ્રેષ્ઠી તથા સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
સ્વયંસેવકોએ ડાયરાની રંગત માણી
જામજોધપુર તાલુકાના સિદસર ખાતે યોજાયેલા પાંચ દિવસીય શ્રી1ા શતાબ્દી મહોત્સવમાં શ્રમદાન-સમયદાન આપનાર 6500 થી વધુ સ્વયંસેવકોના મનોરંજન માટે યોજાયેલા સાગર પટેલ સહીતના કલાકારોના ડાયરાની રંગત સ્વયંસેવકોએ માણી હતી. સિદસર ખાતે શ્રી1ા શતાબ્દી મહોત્સવમાં છેલ્લા દોઢ મહિનાથી વિવિધ કામગીરીથી જોડાયેલા 6500 થી વધુ સ્વયંસેવકો માટે ગઈકાલે શુક્રવારે રાત્રે 9 વાગે યોજાયેલા માં અમે તૈયાર છીએ ફેઈમ લોકપ્રિય કલાકાર સાગર પટેલ, યોગીતાબેન પટેલ,જોય પટેલ અને સુરેશ પટેલ ઉસ્તાદ સહીતના કલાકારોનો ડાયરો યોજાયો હતો.
સૈારાષ્ટ્રની 30 સંસ્થાના 400 વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કલાકૃતિ રજૂ થઈ
વેણું નદીનાં કાંઠે બિરાજમાન પાટીદારોના કુળદેવી માં ઉમીયાના પ્રાગટયના 12પ વર્ષની ઉજવણી પ્રસંગે યોજાતા શ્રી1ા શતાબ્દી મહોત્સવમાં પાંચ દિવસ દરમ્યાન યોજાતા વિવિધ સંમેલનોની સાથે સૈારાષ્ટ્રની 30 જેટલી પાટીદાર સમાજની શૈક્ષણિક સંસ્થાના 400 થી વધુ વિદ્યાર્થીઓ દ્રારા વિવિધ સાંસ્કૃતિક કાર્યકમો તથા કલાકૃતિ જોવા મળી રહી છે. જેમાં સિદસરનાં વિજાપુરા વિદ્યા સંકુલ, કેશોદ, ગોંડલ, ધ્રાંગ્રધા, લાઠીદળ, ટંકારા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, જામજોધપુર, ધ્રોલ, જામનગરની સંસ્થાઓ દ્વારા પ્રાર્થના નૃત્ય, સ્વાગત ગીત, મ્યુઝીકલ કૃતિ, રજુ કરવામાં આવી રહી છે. અમે તો પાટીદાર જીવું માં ઉમિયાના સહારે, મારી માડીનો મહિમાં છે ભારે, જય હો પાટીદાર, વંદન ગુજરાતને, મેરે દેશ કી ધરતી, યે દેશ હે વીરો કા, સહીતની વિવિધ કલાકૃતિઓએ કાર્યકમમાં ભારે જમાવટ કરી હતી.
