જામનગર શહેર અને જિલ્લામાં વરસાદ ખેંચાતા જળસંકટ ઊભું થયું છે, ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા આખરે ’સૌની યોજના’નો આશરો લેવામાં આવ્યો છે. શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય જળાશયોમાં પાણીનો જથ્થો ઝડપથી ઘટી રહ્યો હોવાથી મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર સમક્ષ વધારાના પાણીની માંગણી કરી હતી. તેના અનુસંધાને સૌની યોજના હેઠળ આગામી દિવસોમાં મચ્છુ-2 ડેમમાંથી કુલ 550 એમસીએફટી પાણી જામનગર જિલ્લાના સસોઈ, ઊંડ-1 અને આજી-3 ડેમોમાં ઠલવાશે.
હાલ શહેરની અંદાજે 7 લાખની વસ્તી માટે મહાનગરપાલિકા દરરોજ આશરે 150 એમએલડી પીવાનું પાણી વિતરણ કરાય છે. અને એકાંતરા પાણી વિતરણ થાય છે. જ્યારે સસોઈ, ઊંડ-1 અને આજી-3 ડેમમાં રહેલું પાણી જુલાઈ મહિનાના અંત સુધી જ પૂરતું રહે તેવી સ્થિતિ છે. વરસાદમાં વિલંબ થતાં શહેરમાં જળસંકટ ઊભું ન થાય તે માટે તાત્કાલિક ’સૌની યોજના’નું પાણી ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાએ આજી-3 ડેમ માટે 200 એમસીએફટી, ઊંડ-1 માટે 200 એમસીએફટી અને સસોઈ ડેમ માટે 150 એમસીએફટી પાણીની માંગણી કરી હતી. રાજ્ય સરકાર અને પાણી પુરવઠા તંત્રની મંજૂરી બાદ આ પાણી મચ્છુ-2 ડેમમાંથી સૌની યોજનાના નેટવર્ક મારફતે પહોંચાડવામાં આવશે. આયોજન મુજબ પ્રથમ મચ્છુ-2 ડેમમાંથી પાણી પમ્પિંગ દ્વારા આજી-3 ડેમમાં પહોંચાડવામાં આવશે.
ત્યારબાદ સૌની યોજનાની લિંક મારફતે ઊંડ-1 અને સસોઈ ડેમમાં પણ પાણી ઠલવાશે, જેથી જામનગર શહેરને આગામી સમયગાળા દરમિયાન પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધતા જળવાઈ રહે. જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર દિપેશ કેડિયા ના માર્ગદર્શન હેઠળ તેમજ આસી.કમિશનર ભાવેશ જાની ઉપરાંત વોટરવર્કર્સ શાખાના મુખ્ય ઇજનેર નરેશ પટેલ તથા તેઓની ટીમના અલ્પેશ ચારણીયા વગેરે દ્વારા સમગ્ર આયોજન અંગેની યોજના ઘડી કાઢવામાં આવી છે. ગત વર્ષે જિલ્લામાં ઓક્ટોબર સુધી સારો વરસાદ પડતાં ડેમો, ચેકડેમો અને તળાવો ભરાઈ ગયા હતા, જેના કારણે જૂન માસના અંત સુધી પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહ્યો હતો. ઉપરાંત ફેબ્રુઆરીથી મે દરમિયાન પણ સૌની યોજના હેઠળ વિવિધ જળાશયોમાં પાણી પહોંચાડવામાં આવ્યું હતું. જોકે આ વર્ષે વરસાદમાં વિલંબ થતાં ફરી એકવાર સૌની યોજના શહેર માટે આશીર્વાદરૂૂપ સાબિત થઈ રહી છે.
