મામલતદાર અને પ્રાંત અધિકારીઓની વહીવટદાર તરીકે નિમણૂક
ગુજરાતમાં મહાનગર પાલિકાઓ બાદ હવે 71 નગર પાલિકાઓમાં પણ વહીવટદારોનું શાસન આવ્યું છે. ગુજરાત સરકારે રાજ્યની 71 નગરપાલિકાઓમાં ચૂંટણી સુધી વહીવટ સુચારૂૂ રાખવા માટે વહિવટદારની નિમણૂક કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, નગરપાલિકાની મુદત પૂર્ણ થયા બાદ નવી ચૂંટાયેલી સમિતિ રચાય ત્યાં સુધી સંબંધિત વિસ્તારમાં મામલતદાર અથવા પ્રાંત અધિકારીઓને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવશે.
ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ નગરપાલિકાની મુદત પાંચ વર્ષની હોય છે અને મુદત પૂર્ણ થાય તે પહેલાં સામાન્ય ચૂંટણી યોજવાની હોય છે. રાજ્યની અનેક નગરપાલિકાઓની મુદત માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થવાની હોવાથી વહીવટી કામકાજમાં વિક્ષેપ ન આવે તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારના આદેશ મુજબ પાણી, ગટર, લાઇટ, સફાઈ સહિત નાગરિકોને મળતી આવશ્યક સેવાઓ ચાલુ રહે તે માટે વહીવટદાર તમામ જરૂૂરી કામકાજ સંભાળશે. જોકે તેઓ કોઈ નીતિ સંબંધિત નિર્ણય લઈ શકશે નહીં.
અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ઝોનની કુલ 71 નગરપાલિકાઓમાં મામલતદાર અથવા પ્રાંત અધિકારીઓને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવી ચૂંટાયેલી સમિતિઓ રચાય ત્યાં સુધી તેઓ નગરપાલિકાઓનો વહીવટ સંભાળશે.
