ગુજરાત ડાયસ્ટફ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GDMA) દ્વારા કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીને પત્ર લખીને અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોને મળતા પાઇપ્ડ નેચરલ ગેસના ઘટતા પુરવઠા અંગે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે.
એસોસિએશને પોતાના પત્રમાં જણાવ્યું છે કે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના તા. 9 માર્ચના આદેશનું પાલન ન થઈ રહ્યું છે. આ આદેશ અનુસાર ઔદ્યોગિક ગ્રાહકોને છેલ્લા છ મહિનાના સરેરાશ ગેસ વપરાશના 80 ટકા પુરવઠો આપવાનો હતો. જોકે હાલમાં અમદાવાદ વિસ્તારના આશરે 900 MSME એકમો, જે પાઇપ્ડ નેચરલ ગેસ પર આધારિત છે, તેમને માત્ર 40 ટકા જ પુરવઠો મળી રહ્યો છે. આના કારણે ઉત્પાદનમાં ભારે અસર પડી રહી છે અને ઉદ્યોગો પર વધારાનો આર્થિક બોજ વધી રહ્યો છે. એસોસિએશને વધુમાં ઉલ્લેખ કર્યો છે કે કર્ટેઇલ્ડ (ઘટાડેલ) જથ્થા કરતાં વધુ ગેસના ઉચ્ચ દરો લાગુ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તાજેતરમાં દિવસના બિલિંગ સિસ્ટમમાં ફેરફાર કરીને પખવાડિયાના બદલે રોજિંદા બિલિંગ શરૂૂ કરવામાં આવ્યું છે, જે નાના ઉદ્યોગો માટે ભારે પડી રહ્યું છે.
એસોસિએશને મંત્રાલય પાસે માંગ કરી છે કે અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા તાત્કાલિક 80 ટકા પુરવઠાના નિયમનો અમલ કરાવવામાં આવે તેમજ ૠઅઈંક પાસેથી સ્પષ્ટતા મેળવવામાં આવે. GDMAના પ્રમુખ દીપક પટેલે પત્રમાં લખ્યું છે કે, જે MSME ઉદ્યોગોએ સ્વચ્છ ઇંધણ તરફ સ્થાનાંતરણ કર્યું છે તેમને પુરવઠાની અનિશ્ચિતતાને કારણે નુકસાન ન થવું જોઈએ. આ મુદ્દે ઉદ્યોગકારોમાં ભારે રોષ છે અને તેઓ તાત્કાલિક ઉકેલની અપેક્ષા રાખી રહ્યા છે જેથી ઉત્પાદન પ્રવાહ જળવાઈ રહે અને આર્થિક નુકસાન ટળી શકે.
