164 પાસેથી રૂા. 4.37 લાખના દંડની વસુલાત
જોખણી એલઈડી લાઈટ સાથે હાઈ-વે પર દોડતા વાહન ચાલકો સામે શહેર પોલીસ અનેઆરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 164 જેટલા વાહન ચાલકો પાસેથી રૂા. 4.37 લાખના દંડની વસુલાત કરવામાં આવી હતી.
રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા પ્રતિબંધ મુકેલ એલઈડી લાઈટનો ઉપયોગ વાહનચાલકો બેફિકરાઈથી કરી રહ્યા છે. અને શહેર તેમજ હાઈ-વે પર બેફામ રીતે પોતાના વાહનો લઈને નિકળી રહ્યા છે. જેના કારણે સામેથી આવતા વાહન ચાલકોની આંખોમાં તેનો પ્રકાશ પડતા અકસ્માતનું જોખમ વધી જાય છે. તેની સામે પોલીસ અને આરટીઓ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
આરટીઓ અધિકારીના જણાવ્યા મુજબ આરટીઓ અને શહેર પોલીસ દ્વારા કાલાવડ રોડ, ગોંડલ રોડ, ઘંટેશ્ર્વર વિસ્તારના રોડ, માલિયાસણ રોડ સહિત મહત્વના માર્ગો પર છેલ્લા 10 દિવસમાં અલગ અલગ સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવેલ હતી. જેમાં મોટર વાહન કાયદાનો ભંગ કરનાર અને એલઈડી લાઈટ વાહન ઉપર લગાવીને ફરતા 164 વાહન ચાલકો ઝડપાયા હતા જેની પાસેથી ટ્રાફિક નિયમનના ભંગ બદલ રૂા. 4.37 લાખના દંડની વસુલાત કરવામાં આવી હતી.
