તાલુકા પંચાયતોમાં 20 ટકા ઉમેદવારો જીત્યા, બગસરા- લાલપુર સહિત પાંચમાં શાસનધૂરા સંભાળશે, જિલ્લા પંચાયતોમાં પણ 37 બેઠકો મેળવી
કોંગ્રેસનો વોટશેર 10 ટકા થઇ ગયો, રૂરલ મતદારોએ મોં ફેરવ્યુું
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓના પરિણામોએ આજે સવારથી રાજકરણના રસીયાઓ વચ્ચે રંગત જમાવી હતી. ભાજપની સરેરાશ જળવાયેલી સત્તા અને કોંગ્રેસનો ભાંગ્યુ તોય ભરૂચ જેવો ઘાટ સાઇડમાં રાખીને લોકચર્ચાના કેન્દ્રમાં એક નવા વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીનો પ્રવેશ કૌતુકનો વિષય બન્યો છે. બહુ વધારે બેઠકો ન મળવા છતાં આમ આદમી પાર્ટીનો ગુજરાતની સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓમાં ક્રમિક પગપેસારો નોંધપાત્ર છે. તાલુકા- જિલ્લા કક્ષાએ ગુજરાતમાં ગ્રામીણ લોકોનો પ્રારંભીક આપ તરફનો આ ઝુકાવ ભાજપના ભવિષ્ય માટે ચેતવણીની આગોતરી ઘંટડી છે, જો સંભળાય તમો…!
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો આ વખતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં દમદાર દેખાવથી અન્ય રાજકીય પક્ષો અને એના મોભીઓ આઘાત સહીતના આશ્ચર્યનો અનુભવ કરવા લાગ્યા છે. જિસકા કોઇ નહીં ઉસકા તો ખુદા હોતા હૈ ની જેમ ભણેલા ગણેલા મહાનગરોએ બહુધા જેની ઉપેક્ષા કરી છે તે આમ આદમી પાર્ટીને ગુજરાતના ગ્રામજનોએ, તાલુકા- જિલ્લાઓએ જીવતદાન અને હુંફ પુરા પાડયા છે. જેથી ગ્રામ વિસ્તારોમાં આપે ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે. એમાંય પાંચ તાલુકા પંચાયતોમાં તો આપનો રાજયાભિષેક નકકી થઇ ગયો છે.
આ પાંચ તાલુકા પંચાયતો આમ આદમી પાર્ટી માટે પંચતારક ફાઇવસ્ટાર ઉપલબ્ધી બની ગઇ છે. આ તાલુકાઓમાં વિસાવદરની અડોઅડની બગસરા, લાલપુર, ચિલડા, વાલીયા અને ગુરૂડેશ્ર્વરનો સમાવેશ થાય છે.
તાલુકા પંચાયતોનું આમ આદમી પાર્ટીનું ચિત્ર રાજયમાં અધિક ઉજળું છે. તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીએ કુલ 247 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો છે અને ત્યાં ભાજપ- કોંગ્રેસ બન્નેને પછડાટ આપી છે. એ જ રીતે જિલ્લા પંચાયતોમાં કુલ 37 બેઠકો આંચકી લીધી વિવિધ નગરપાલિકાઓમાં પણ 16 બેઠકો પર સાવરણો લહેરાઇ રહ્યા છે. કદાન ખુદ પાર્ટીને પણ આટલી મોટી વજદાર સફળતાની આશા નહીં હોય.
વિસાવદરની અડોઅડ આવેલી બગસરા નગરપાલિકા બગસરા તો આમ આદમી પાર્ટીએ કબજે કરી લીધી છે. બગસરામાં વિસાવદરવાળી થઇ કહેવાય! આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય કક્ષાએ હમણાં ઘણા ગોથા પાધા છે ત્યારે ગુજરાતમાં સરેરાશ એક નાના વિપક્ષ તરીકેનો તેનો અભ્યુદય પાર્ટી હાઇ કમાન્ડ માટે રણમાં મીઠી વીરડી જેવું આશ્વાસન છે.
કોંગ્રેસને દરેક ચુંટણીની જેમ આ વખતે પણ એની સુુષુપ્તતાની સજા લોકોએ આપી છે. આમ આદમી પાર્ટીની તુલનાએ કોંગ્રેસે અરધાથી ઓછી બેઠકો મેળવી છે. કોંગ્રેસ માટે આ લોછન છે. જો માને તો કારણ કે પરાજિતોને પુનરાવર્તનને કારણે પરાજયનું વ્યસન થઇ જતું હોય છે.
રહી વાત ભાજપની! તો આ વખતે ભાજપના જ ઘણા કાર્યકરો અને નેતાઓ મનોમન ચાહતા હતા કે પક્ષને સારા એવા બોધપાઠની જરૂર છે. પણ એવું થયું નથી. ગુજરાતની પ્રજા જેને ચાહે છે એને ચાહ્યા જ કરે છે એની ભાજપને ફરી પ્રતીતી કરાવતુ મતદાન જોવા મળ્યું છે. નવાઇની વાત એ છે કે ભાજપમાં ચોતરફ અસંતોષ, ટિકિટ ફાળવણીમાં મામકા-પાંડવા, ઓપન બેઠકો પર ઓબીસી ઉમેદવારોને ટિકિટ જેવા અનેક મુદ્દાઓથી પક્ષમાં આંતરિક ઘુંઘવાટ બહુ જ હતો અને કાર્યકરોની વાતોમાં ધુમાડા દેખાતા હતા. ખુદ ભાજપના સંગઠનના નેતાઓ અને અન્ય મોભીઓ જે અસંતોષનું રિપેરીંગ કરી શકયા નહીં, તેનું રિપેરીંગ લોકમત અને લોક ચાહનાએ આખરે કરી આપ્યું છે ને કેસરીયો લહેરાતા પક્ષના ગુપ્ત બળવાખોરો પણ ઠરી ગયા છે જેથી ઘીના ઠામમાં ઘી પડયા જેવો ઘાટ થતાં ભાજપે ફરી આ ચુંટણીને આધુ પીધું ને (હવે) રાજ કર્યું જેવો ઘાટ ઘડાયો છે.
