સ્થાનિક ચૂંટણીઓ પહેલા ‘આપ’ના સાવરણાની સળીઓ વેરવિખેર

વિસાવદરની પેટા ચૂંટણીના વિજય બાદ આવેલા ઉત્સાહમાં પંચર પાડતા રાજીનામા ધારાસભ્ય બન્યા બાદ ભાયાણી-વાઘાણીએ શરૂ કરેલો રાજીનામાનો દોર કરશન બાપુ અને કરપડાએ ચાલુ રાખ્યો ગુજરાતમાં…

વિસાવદરની પેટા ચૂંટણીના વિજય બાદ આવેલા ઉત્સાહમાં પંચર પાડતા રાજીનામા

ધારાસભ્ય બન્યા બાદ ભાયાણી-વાઘાણીએ શરૂ કરેલો રાજીનામાનો દોર કરશન બાપુ અને કરપડાએ ચાલુ રાખ્યો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા રાજકારણમાં ત્રીજા વિકલ્પ બનાવા ઝઝુમી રહેલ આમ આદમી પાર્ટીના લડાયક નેતા રાજુ કરપડાએ રાજીનામુ આપી દેતાં આપને વધુ એક ફટકો પડયો છે. ધારાસભાની ચૂંટણીથી અત્યાર સુધી ‘સાવરણા’માંથી અનેક સળીઓ છુટી પડી રહી છે અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં હવે પાંચ સાત નેતાઓ જ બચ્યા છે.

વિસાવદરની પેટા ચૂંટણી જીત્યા બાદ આપમાં નવું જોમ આવ્યું હતું. પરંતુ કરશન ભગતે રાજીનામુ આપી સૌને ચોંકાવ્યા હતાં. જો કે, આ રાજીનામાની ખાસ અસર થઈ ન હતી અને હવે જ્યારે ચૂંટણી માટે જોર જોરથી તૈયારી ચાલી રહી છે ત્યારે જ રાજુ કરપડાના રાજીનામાથી કાર્યકરોના ઉત્સાહમાં પંકચર પડી ગયું હોય તેવી સ્થિતિ છે.

ધારાસભાની ચૂંટણીમાં ‘આપે’ પાંચ બેઠકો મેળવ્યા બાદ બે ધારાસભ્યો ભુપત ભાયાણી અને સુધીર વાઘાણી પાણીમાં બેસી ગયા હતાં અને ધારાસભ્ય પદ તેમજ પાર્ટી બન્ને છોડી દીધા હતાં. જ્યારે ધારાસભાની ચૂંટણી પહેલા જ સુરતના મહેશ સવાણીએ મેદાન છોડી દીધું હતું, તો અલ્પેશ કથિરીયા ચૂંટણી હાર્યા બાદ મેદાન છોડી ગયા છે. આ સિવાય ઘણા નેતાઓ આપમાં આંટો મારી જતાં રહ્યાં અને રાજીનામાનો દૌર યથાવત રહેતા કાર્યકરોના મનોબળ ઉપર પણ તેની અસર પડી રહી છે.

ધારાસભાની ચૂંટણી પછીથી નવોદિત રાજકીય પક્ષ આમઆદમી પાર્ટી એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલતમાં છે. વિસાવદરની પેટાચૂંટણીમાં જીત મેળવીને ચોમેર ગાજવા લાગેલી પાર્ટી ગામડાંઓમાં સંમેલનો યોજીને, ખેડુતોના પ્રશ્નોમાં બોલકી બનીને જનાધાર બનાવી રહી હતી ત્યાં જ પાર્ટીનો વધુ એક કાંગરો ખરી ગયો છે. ખેડૂત અગ્રણી રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપીને પ્રદેશ નેતૃત્વ સામે સવાલો ખડા કરી દીધા છે.

આ અગાઉ ધારાસભ્યો સુધી વાઘાણઈ અને ભુપત ભાયાણી ઉપરાંત વિજય સુંવાળા, ડાયરા કલાકાર, અલ્પેશ કથીરિયા, પાટીદાર આગેવાન, ધાર્મિક માલવીયા, પાટીદાર આગેવાન, મહેશ સવાણી, સુરત ઉદ્યોગપતિ, નિખીલ સવાણી, ઉદ્યોગપતિ, કરશન ભગત સાવરણામાંથી છુટા પડી ગયા હતાં.

આમઆદમી પાર્ટીનો ગુજરાતમાં આરંભ થયો ત્યારે બહુ મોટી આશાઓ મૂકાઈ હતી. પક્ષ કોંગ્રેસ કરતાં વધુ સક્રિય રહેશે, જનતાનો અવાજ ઊઠાવશે, લોકોના પ્રશ્નોને વાચા આપશે એવી વાતો વચ્ચે ગત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ ગણીગાંઠી બેઠકો પર ફતેહ મેળવી હતી. એ પૈકી ગારિયાધાર બેઠકના ધારાસભ્ય ભુપત ભાયાણી અને બોટાદના ધારાસભ્ય ઉમેશ ચૌહાણે ચૂંટાયા પછી પક્ષથી અંતર રાખવાનું શરૂૂ કરી દીધું હતું. માત્ર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને જામજોધપુરના હેમંત ખવા સક્રિય હતા.

વિધાનસભાની ચૂંટણીનું સુકાન ઈસુદાન ગઢવીને સોંપાયા પછી લગભગ નિષ્ક્રિય થઈ ગયેલા ગોપાલ ઈટાલિયાને પાર્ટીએ વિસાવદર પેટાચૂંટણીના ઉમેદવાર બનાવ્યા અને તેમાં જીત મળી પછી સોશિયલ મીડિયા પર ગોપાલ ઈટાલિયા છવાઈ ગયા હતા. ભાજપ સરકારને ઘેરવા માટે ગામડાંઓ પર ફોકસ વધારવામાં આવ્યું અને ખેડૂતોના પ્રશ્નો માટે રાજુ કરપડાને આગળ કરવામાં આવ્યા. પરંતુ હવે રાજુ કરપડા પણ રાજીનામું આપીને ’રણછોડ’ સાબિત થયા છે ત્યારે પાર્ટીની વિશ્વસનિયતા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.

ગુજરાતમાં આમઆદમી પાર્ટીના આરંભકાળથી આજ સુધીમાં અનેક મોટા માથાં જોડાય અને વિખૂટા પડ્યા છે. તેમાં સુરતના ઉદ્યોગપતિ તેમજ સમાજસેવક મહેશ સવાણી, નિખિલ સવાણી, ડાયરાના લોકપ્રિય કલાકાર વિજય સુંવાળા, પાટીદાર આંદોલનના અગ્રણી અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા સહિતના નેતાઓ સામેલ છે. દરેકના પાર્ટી સાથે છેડો ફાડવાના કારણો અલગ હશે પરંતુ સરવાળે તો એ આમઆદમી પાર્ટીની વિશ્વસનિયતા સામે સવાલ કરે છે.

હવે ગોપાલ ઈટાલિયા અને ચૈતર વસાવા ઉપર મુખ્ય મદાર

આપના અડધોઅડધ નેતાઓ પાર્ટી છોડી ચૂક્યા છે, અને કેટલાક પક્ષથી મોઢું ફેરવી લીધું છે, ત્યારે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો આખો મદાર ગોપાલ ઈટાલિયા અને ચૈતર વસાવા પર છે. ગોપાલ ઈટાલિયા અને ચૈતર વસાવાના ખભે આગામી વિધાનસભાની ચૂંટણીનો ભાર છે. જેમાં ઈસુદાન ગઢવી ખાસ કંઈ ઉકાળી શકે તેવું કહેવું મુશ્કેલ છે. તેની સામે ઈટાલિયા અને ચૈતર વસાવા પર એક ચોક્કસ પ્રકારની વોટબેંક તો છે. જ્યારે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા તેના વિસ્તાર સિવાય ખાસ પ્રભાવ પાડી શકતા નથી તો બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ પાર્ટીને રામરામ કરી દીધા છે. અગાઉ ભુપત ભાયાણી તથા સુધીર વાઘાણી ધારાસભ્ય પદે ચુંટાયા બાદ રાજીનામા આપી શરણાગતિ સ્વીકારી ચુકયા છે. પ્રવિણ રામ આશાવાદી જરૂર મનાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *