અર્જુનભાઈ મોઢવાડિયાના ગામમાં જ ભાજપને મત મળ્યા નહીં, ડો.બોઘરા, મોહન દાફડા, હરેશ હેરભાના વતનમાં આપ જીત્યું
મોવિયા બેઠક ઉપર જીગીસા પટેલ રાજુ ડાંગરને હરાવી જાયન્ટ કિલર, જિલ્લાના રાજકારણમાં એન્ટ્રી
જે.વી. કાકડિયાના બગસરામાં આખી તાલુકા પંચાયત ગઇ
સૌરાષ્ટ્રમાં જિલ્લા-તાલુકા પંચાયતોની અનેક બેઠકો ઉપર ભાજપના મોટા નેતાઓના ઘટમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચુંટાયા છે. રાજકોટ જિલ્લા પંચાયતની મોવિયા બેઠક ઉપર ભાજપનું મોટુ માથુ ગણાતા રાજુ ડાંગરને આપના જીગીસા પટેલે હરાવી ગોંડલના રાજકારણમાં પગદંડો જમાવ્યો છે. જ્યારે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના ગામ મોઢવાડામાં તાલુકા પંચાયતની બેઠકમાં આપનો વિજય થયો છે. તો બગસરા-ધારીના ધારાસભ્ય જે.વી.કાકડીયાના ગઢ બગસરામાં આખી તાલુકા પંચાયત ભાજપે કબજે કરી લીધી છે.
રાજકોટ જિલ્લામાં આટકોટ બેઠક, ડો.ભરત બોઘરાના વતન કમળાપુર, જિલ્લા ભાજપના મહામંત્રી હરેશ હેરભાના વતન કડુકામાં, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય મોહનભાઈ દાફડાના ચીભડામાં અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિપુલ મોરડના ચાંદલી ગામની બેઠકો ઉપર આપ જીત્યું છે.
કાંધલનો દબદબો યથાવત, કુતિયાણાની પેટા ચૂંટણીમાં ‘સપા’ની સાયકલ દોડી
કુતિયાણામાં યોજાયેલી નગરપાલિકાના વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ ચૂંટણીમાં પણ ધારાસભ્ય કાંધલ જાડેજાનો જાદુ અકબંધ રહ્યો છે. તેમની પેનલના અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રાભીબેન કાનાભાઈ રૈગાએ આ બેઠક પર શાનદાર વિજય મેળવીને વિરોધ પક્ષોના સૂપડા સાફ કરી દીધા છે. કુતિયાણા નગરપાલિકામાં વર્ષોથી કાંધલ જાડેજાની મજબૂત પકડ રહી છે. આ પેટા ચૂંટણીને પણ પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવતો હતો. જોકે, પરિણામોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કુતિયાણામાં કાંધલ જાડેજાની પેનલ સામે જીતવું હજુ પણ વિરોધ પક્ષો માટે લોઢાના ચણા ચાવવા જેવું છે. સમાજવાદી પાર્ટીના બેનર હેઠળ લડેલા રાભીબેન રૈગાએ મતદારોનો વિશ્વાસ જીતવામાં સફળતા મેળવી છે.
