કોંગ્રેસના પ્રદેશ નેતાઓની બેઠકમાં લેવાયેલો નિર્ણય, હવે બન્ને બેઠકોની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નિશ્ર્ચિત
ગુજરાતમાં ધારાસભાની છેલ્લી ચુંટણી સાથે લડયા બાદ હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન ભાંગી પડયુ હોય તેમ વિસાવદર અને કડી બેઠકની ધારાસભાની ચુંટણીમાં આપ સાથે ગઠબંધન નહીં કરવાનો કોંગ્રેસે નિર્ણય લેતા હવે આ બન્ને બેઠકોની પેટા ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામે તેવા નિર્દેશો મળે છે.
આજે ગુજરાત ભાજપના પ્રભારી મુકુલ વાસનીકની હાજરીમાં અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસના નેતાઓની યોજાયેલ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે વિસાવદર અને કડીની ધારાસભાની પેટા ચુંટણીમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે.
બેઠક બાદ શક્તિસિંહ ગોહીલે જણાવ્યું હતું કે, ગુજરાતના મતદારો ત્રીજા પક્ષને સ્વીકાતો નથી. આ માટે તેમણે શંકરસિંહ વાઘેલા અને સ્વ.કેશુભાઇ પટેલના ઉદાહરણ પણ આપ્યા હતા તેમજ જણાવ્યું હતું કે, હરિયાણાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાો ઉભા રાખીને કોંગ્રેસને નુકશાન પહોંચાડયું હતું.
આ તમામ સંજોગો ધ્યાને લઇ ગુજરાતમાં વિસાવદર અને કડી ધારાસભાની પેટા ચુંટણીઓમાં ‘આપ’ સાથે ગઠબંધન નહીં કરી કોંગ્રેસના ઉમદેવાો ઉતારવા નિર્ણય લેવાયો હોવાનું શક્તિસિંહ ગોહીલે જણાવ્યું હતું.આમ કડી અને વિસાવદર ધારાસભાની પેટા ચુંટણીમાં હવે ત્રિપાંખીયો જંગ નિશ્ર્ચિત બન્યો છે. જે ભાજપ માટ ફાયદા સમાન ગણાવાય છે.
ઉલ્લેખનીય છે કે, વાવ ધારાસભાની પેટા ચુંટણી સમયે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ટેકો આપ્યો હતો અને તેની સામે વિસાવદરની પેટા ચુંટણીમાં કોંગ્રેસ આપને ટેકો આપશે તેવા દાવા અને આશાવાદ સાથે આપે વિસાવદરની બેઠક ઉપર ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરી દીધા છે અને છેલ્લા ઘણા દિવસથી ઇટાલીયાએ વિસાવદરમાં જ મુકામ કરી ચુંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. પરંતુ કોંગ્રેસે ગઠબંધન તોડતા હવે રાજકીય સમિકરણો બદલાઇ ગયા છે.
