જામનગર મહાનગરપાલિકાની ચાલુ ચૂંટણી દરમિયાન એક દુ:ખદ ઘટના સામે આવી છે, જેમાં વોર્ડ નંબર3માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ મેઘુભા જાડેજાનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે.
મળતી માહિતી મુજબ, આજે મતદાન પ્રક્રિયા દરમિયાન બપોરે આશરે ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા પોતાના ઘરે હાજર હતા, ત્યારે તેમને અચાનક હૃદયરોગનો ગંભીર હુમલો આવ્યો હતો. ઘટના બાદ તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તપાસ કરતાં તેમને મૃત જાહેર કર્યા હતા.
આ અચાનક બનેલી ઘટનાને લઈને પરિવારમાં તેમજ રાજકીય વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતા પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સાથે જ આમ આદમી પાર્ટીના અન્ય ઉમેદવારો અને કાર્યકરો પણ હોસ્પિટલ પર પહોંચ્યા હતા, જ્યાં ગમગીન માહોલ સર્જાયો હતો. આ ઘટનાએ ચૂંટણીના માહોલ વચ્ચે શોકની છાયા પાથરી છે, અને શહેરમાં પણ દુ:ખની લાગણી પ્રસરી રહી છે.
જામનગર મહાનગરપાલિકા ની વોર્ડ નંબર ત્રણની ચૂંટણી અને મતદાનની પ્રક્રિયા દરમિયાન બપોરે ચારેક વાગ્યા આસપાસ દુ:ખદ ઘટના બની હતી, અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર નું ચાલુ મતદાન સમયે અવસાન થયું હતું. જો કે મતદાનની પ્રક્રિયા અવીરત ચાલુ રહી હતી, અને આ સંદર્ભમાં જામનગરના જિલ્લા કલેકટર દ્વારા રાજ્યના ચૂંટણી પંચ નો સંપર્ક પણ સાધવામાં આવ્યો હતો, અને સાંજે 6.00 વાગ્યા બાદ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી આવનારી મત ગણતરીની પ્રક્રિયાઓ પણ યથાવત રહેશે તેમ જણાવ્યું હતું.
