ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે તાજેતરમાં પીજીવીસીએલના જીવંત વીજ વાયર તૂટવાના કારણે બે ખેડૂતોના મોત થયાનો કરુણ બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવને અનુલક્ષીને ખંભાળિયા તાલુકાના મૂળ વતની અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા વીજતંત્ર સામે વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા છે.
આપના ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે સરકાર અને તંત્રની બેદરકારીના કારણે બે યુવાન ખેડૂતો મોતને ભેટ્યા છે. નબળા તારના કારણે ખેડૂતોના મોત થઈ રહ્યા છે, પરંતુ મુખ્યમંત્રી કે ઉર્જા મંત્રીએ આ મુદ્દે ધ્યાન આપવાની પણ તસ્દી લીધી નથી. વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે નબળા તાર અને નબળા થાંભલાઓની ચકાસણી કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે પરંતુ સરકાર તરફથી કોઈ પગલા લેવાતા ન હોવાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે.
વીજળીના તાર પર કોઈ લંગર નાખે છે ત્યારે તેના પર અનેક કેસો દાખલ કરવામાં આવે છે, તો સોનારડી ગામે આ કરુણ ઘટના ઘટી, તેના મુદ્દે કોના પર કેસ થશે? તેવો સવાલ પણ ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યો છે. સાથે સાથે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ અને મૃતકના પરિજનોને યોગ્ય વળતર મળવું જોઈએ તેવી માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી છે.
