જામનગર તાલુકાના સિક્કામાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના એક શ્રમિક યુવાને આર્થિક સંકળામણ ના કારણે ગલા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવાદોરી ટૂંકાવી છે. અલગ અલગ લીધેલી લોન ના હપ્તા ભરવા માટે પૈસા ન હોવાથી અંતિમ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કામાં રહેતા અને મૂળ પશ્ચિમ બંગાળના વતની એવા સુશાંતા નકુલ પટલા નામના 28 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવ અંગે મૃતકની સાથે રહેતા રોમીન રોબીન પટલા એ પોલીસને જાણ કરતાં સિક્કાના પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ. પી. સિંધવ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન કે જેણે ઓનલાઇન લોન મેળવી હતી, ઉપરાંત બાઈક લોન લીધેલી હતી. જે અલગ અલગ લોન ના હપ્તા ભરવા માટેના પોતાની પાસે પૈસા ન હોવાથી આર્થિક સંકળામણના કારણે આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
