લગ્નની કંકોત્રી વહેંચાઈ ગયા બાદ મંગેતરે લગ્નનો ઈનકાર કરતા યુવતીનો આપઘાતનો પ્રયાસ

શહેરના નાના મવા રોડ પર આવેલ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતી એક યુવતીએ લગ્નના ગણતરીના દિવસો બાકી હોવા છતાં મંગેતરે લગ્ન કરવાની ના પાડી દેતા…

શહેરના નાના મવા રોડ પર આવેલ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતી એક યુવતીએ લગ્નના ગણતરીના દિવસો બાકી હોવા છતાં મંગેતરે લગ્ન કરવાની ના પાડી દેતા અને પિતા સાથે થયેલી બોલાચાલી બાદ ગઈકાલે બપોરે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે પિતાની સતર્કતાને કારણે દીકરીનો જીવ બચી ગયો હતો અને તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

વિગતો મુજબ, નાના મવા વિસ્તારમાં રહેતી આયુશી (ઉ.વ. 20) નામની યુવતી કાફેમાં નોકરી કરે છે અને તેના પિતા સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. આયુશી તેના ભાઈની એકની એક મોટી બહેન છે. બે મહિના પહેલા તેના જ્ઞાતિના અને અતિથિ ચોક વિસ્તારમાં રહેતા જય નામના યુવાન સાથે તેની સગાઈ કરવામાં આવી હતી. બંને પક્ષે લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી અને રવિવારે તા. 3/5 ના રોજ લગ્ન નિર્ધારિત હતા. લગ્નની કંકોત્રીઓ પણ સગા-સંબંધીઓમાં વહેંચાઈ ગઈ હતી, પરંતુ અચાનક મંગેતર જયે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દેતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

આ આત્મઘાતી પગલાં પાછળ એક ચોંકાવનારી ઘટના પણ સામે આવી છે. બે દિવસ પહેલા આયુશી અને તેનો મંગેતર જય અક્ષર માર્ગ પર આવેલી એક હોટેલના રૂૂમમાં હતા, ત્યારે જ આયુશીના પિતા ત્યાં પહોંચી ગયા હતા અને બંનેને સાથે પકડી પાડ્યા હતા.આ મામલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને યુવક-યુવતીને પોલીસે ઠપકો આપ્યો હતો. આ ઘટના બાદ સામાજિક રીતે પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. ગઈકાલે આયુશીએ ઘરે આવ્યા બાદ પિતા સાથે ઉગ્ર દલીલો કરી હતી અને જણાવ્યું હતું કે તેને હાલ લગ્ન કરવા નથી. આ બાબતે પિતા-પુત્રી વચ્ચે ઝપાઝપી અને ઝઘડો પણ થયો હતો.

પિતા સાથેના ઝઘડા અને માનસિક તણાવમાં આવી ગયેલી આયુશીએ બપોરના સમયે ઘરના રૂૂમમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પિતાએ સમયસૂચકતા વાપરી તુરંત જ તેને નીચે ઉતારી લીધી હતી અને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.હાલ યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. મંગેતરે લગ્નની છેલ્લી ઘડીએ કેમ ના પાડી અને હોટેલકાંડ બાદ શું પરિસ્થિતિ સર્જાઈ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *