કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામના વાડી વિસ્તારમાં રહેતા નાગાભાઈ લીલાભાઈ ઓડેદરા નામના 28 વર્ષના મેર યુવાને ગત તા. 29 માર્ચના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ખેતરમાં ઝેરી દવાના ટીકડા ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા લીલાભાઈ નવઘણભાઈ ઓડેદરાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
મીઠાપુરના યુવાન પર હુમલો
મીઠાપુરમાં ન્યુ મર્ચન્ટ કોલોની ખાતે રહેતા અને કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે સંકળાયેલા નવીદભાઈ હનીફભાઈ હાકડા નામના 32 વર્ષના યુવાનને બિભત્સ ગાળો કાઢી, આરંભડા વિસ્તારમાં રહેતા આરોપી હારૂૂન ઓસમાણ માકોડા, તારમામદ ઓસમાણ માકોડા, હુસેન ઓસમાણ માકોડા, સરવર તારમામદ માકોડા, વસીમ હુસેન અને ઉસ્માન હુસેન માકોડા દ્વારા ફરિયાદી નવીદભાઈ તથા સાહેદ અનિશભાઈ અને ઈકબાલ કાકા વિગેરેને બિભત્સ ગાળો કાઢી, માર મારી, ફેક્ચર જેવી ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદી નવીદભાઈના માતા તથા આરોપી હારુન ઓસમાણ માકોડા બંને ભાઈ-બહેન થતા હોય અને આરોપીએ તેના પિતાની જમીનમાં બહેનોના વારસાઈ નામ રાખ્યા ન હતા. જેથી ફરિયાદી નવીદભાઈના માતા તથા અન્ય બહેનોએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે બાબતનું મનદુ:ખ રાખી, ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે તમામ છ આરોપીઓ સામે બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
