રફાળેશ્વર સરકારી સ્કૂલમાં ત્રીજા માળેથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચતા 40 વર્ષના યુવાનનું મોત થયું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
વાંકાનેરના રહેવાસી આદમભાઈ યશુખભાઈ શેખ (ઉ.વ.40) નામના યુવાન ગત તા. 13 ના રોજ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ રફાળેશ્વર સરકારી સ્કૂલના ત્રીજા માળેથી કોઈ કારણોસર પડી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે. અન્ય એક બનાવમાં મોરબીના રફાળેશ્વર ગામ નજીક ડબલ સવારી બાઈકને ડમ્પર ચાલકે હડફેટે લીધું હતું જેથી ફંગોળાઈ પડી ગયેલા બાઈક સવાર બંને યુવાનને ઈજા પહોંચી હતી જેમાં એક યુવાનનું મોત થયું છે અને એક યુવાનને ઈજા પહોંચી છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
મોરબીના મકનસર ગામના રવિભાઈ જગદીશભાઈ નારણીયા (ઉ.વ.31) વાળાએ ટ્રેઇલર ડમ્પર જીજે 36 ટી 9995 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 12 ના રોજ ફરિયાદી રવિભાઈ અને ખુમાનસિંગ રાઠોડ બંને ફરિયાદીનું બાઈક જીજે 36 એડી 1070 લઈને જાંબુડિયા ગામથી મકનસર જતા હતા ત્યારે રફાળેશ્વર ગામ નજીક પહોંચતા ટ્રેઇલર ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લીધું હતું અકસ્માતમાં ફરિયાદી રવિભાઈને શરીરે છોલછાલ જેવી ઈજા કરી હતી તેમજ ખુમાનસિંગ રાઠોડને બંને પગમાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
