મોરબીના રંગપર પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં મોટર સાયકલ સ્લીપ થઈ જતાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે. પૂરઝડપે જઈ રહેલા બાઈક ચાલકે કાબુ ગુમાવતા રસ્તા પર પટકાઈ ગયું હતું. આ મામલે મૃતકના કાકાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, રંગપરની વોલ્ગા સિરામિકમાં રહેતા પવન ઉર્ફે પિન્ટુ પુરબિયા અને તેનો મિત્ર તકધાર ઉર્ફે મનોજ કૃપા માંજી મોટર સાયકલ નં MP42ZF0492 પર મોરબીથી પરત ફરી રહ્યા હતા. ત્યારે સનફેમ સિરામિક સામે શિવ વે-બ્રિજ પાસે મોટર સાયકલ સ્લીપ થઈ જતાં બંનેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન 24 વર્ષીય મનોજ માંજીનું મોત નીપજ્યું હતું, જ્યારે પવન પુરબિયા હાલ સારવાર હેઠળ છે. અકસ્માત સર્જનાર બાઈક ચાલક વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવી મોત નિપજાવવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
