ગોંડલ શહેરમાં જેતપુર રોડ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા અને ગુંદાળા ફાટક પાસે આશરે 10 વર્ષથી ખોડિયાર ફેબ્રિકેશન નામની દુકાન ધરાવતા 30 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઘોઘાવદર અને હાલ ગોંડલ જેતપુર રોડ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા ઘનશાયમ દિલીપભાઈ રૂૂપારેલીયા (ઉ.વ. 30) નામના યુવાને પોતાના ઘરે રૂૂમમાં રાત્રીના સુવા ગયા હતા. વહેલી સવારે આશરે 5 વાગ્યે યુવાનના માતા જગાડવા ગયા હતા અને યુવાનને નાહવા જવાનું કહી નીચે જતા રહ્યા હતા. ત્યારબાદ આશરે બે કલાક બાદ ઘનશ્યામ નીચે નહીં આવતા ફરી માતા ઉપર રૂૂમમાં જતા જોતા યુવાને પંખામાં કમર બેલ્ટ(પટ્ટા) વડે ગળાફાંસો ખાઈ ગયેલી હાલતમાં જોવા મળતા માતાએ ચીસાચીસ કરી મુક્તા પરિવારના અન્ય સભ્યો સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા. પરિવારના એકના એક પુત્ર એ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પરિવાર શોકમગ્ન બન્યો હતો.
બનાવની જાણ ગોંડલ બી ડિવિઝન પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે પોહચી જરૂૂરી કાર્યવહી હાથ ધરી હતી. મૃતક યુવાનના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફત પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવાનના પિતા કડીયા કામ કરી પરિવાર ગુજરાન ચલાવે છે. મૃતક યુવાન પરિવારનો એકનો એક પુત્ર હોય અને પરિવારનો આધાર સ્તંભ હોય અચાનક યુવાને આપઘાત કરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આપઘાતના સમગ્ર બનાવને પગલે ગોંડલ બી ડિવિઝન પોલીસે યુવાનના આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી.
