ડ્રીમ ઈલેવનમાં 70-80 લાખ હારી જતાં યુવક આત્મહત્યા કરવા પહોંચ્યો

ઓનલાઈન એપ્લિકેશનમાં સટ્ટો રમતા યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો મિત્ર સર્કલમાં દેણું થઈ જતાં અને પરિવારે પણ સબંધ કાપી નાખતા ડિપ્રેશનમાં આવી આપઘાતનો વિચાર આવ્યો…

ઓનલાઈન એપ્લિકેશનમાં સટ્ટો રમતા યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો

મિત્ર સર્કલમાં દેણું થઈ જતાં અને પરિવારે પણ સબંધ કાપી નાખતા ડિપ્રેશનમાં આવી આપઘાતનો વિચાર આવ્યો : પોલીસે કાઉન્સેલીંગ કરી જીવ બચાવ્યો

હાલમાં આઈપીએલની સીરીઝ ચાલી રહી હોય મોટાભાગના યુવાનો ઓનલાઈન સટ્ટો રમાડતી ગેમીંગ એપ્લિકેશન ઉપર આઈપીએલ મેચ ઉપર સટ્ટો રમી રહ્યા છે. શહેર પોલીસમાં છેલ્લા બે દિવસથી ઓનલાઈન ગેમીંગને પ્રોત્સાહન આપતા ઈમ્ફ્લૂએન્જર ઉપર ગુના નોંધવાનું શરૂ કર્યુ છે. ત્યારે જીલ્લામાં પણ આવા અનેક બનાવો બની રહ્યા છે. જેમાં ડ્રીમ ઈલેવન એપ્લિકેશનમાં ઓનલાઈન ગેમ ઉપર 70-80 લાખ જેટલી રકમ હારી જતાં યુવક આત્મહત્યા કરવા પહોંચ્યો હોવાનું ગંભીર બનાવ સામે આવ્યો છે. જો કે, યુવકે પોલીસમાં જાણ કરતા પોલીસે તાત્કાલીક દોડી જઈ યુવકનું કાઉન્સીલીંગ કરી તેન જીવ બચાવ્યો હતો. યુવકે મિત્ર સર્કલમાં દેણુ થઈ જતાં અને પરિવારે પણ સબંધ કાપી નાખતા ડિપ્રેશનમાં આવી આ પગલું ભરવા જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.

જાણવા મળતી વિગત મુજબ આજકાલ યુવાનોમાં આઈપીએલ મેચ ઉપર સટ્ટો રમવાનું જાણે વળગણ લાગ્યું હોય તેમ શેરી-ગલીએ મોબાઈલમાં ગેમ એપ્લિકેશન ઉપર સટ્ટો રમતા જોવા મળી રહ્યા છે. જો કે, આ વળગણ કેટલુ ગંભીર પરિણામ લાવી શકે તેનો એક કિસ્સો જિલ્લામાં સામે આવ્યો છે. પોલીસ ક્ધટ્રોલરૂમમાં મેંદરડાના બેતરાણા ગામે રહેતા કૈલાશભાઈ ગોપાલભાઈ રાણોલિયા નામના યુવાને ફોન કરી ‘ હું કંટાળી ગયો છું, વીરપુર બસ્ટેન્ડ પર બેઠો છુ અને હવે આત્મહત્યા કરવા જાવ છું’ તેમ જાણ કરતા પોલીસ ક્ધટ્રોલરૂમ દ્વારા તાત્કાલીક વીરપુર પોલીસને જાણ કરતા વીરપુર પોલીસ મથકના પીઆઈ એસ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશ ચૌહાણ સહિતનો સ્ટાફ વીરપુર બસ્ટેન્ડ ખાતે દોડી ગયો હતો અને આત્મહત્યા કરવા આવેલા કૈલાશ રાણોલિયાને સમજાવી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતાં.

પોલીસે યુવકને શાંતિથી બેસાડી તેનુ કાઉન્સેલીંગ કરી આત્મહત્યા કરવાનું કારણ પુછતા તેણે જણાવેલ કે, તેને ડ્રીમ ઈલેવન એપ્લિકેશનમાં સટ્ટો રમવાની લત લાગી હોય અને તેણે ગામડે આવેલી તેની જમીન વેંચી નાખી તેના નાણા સટ્ટામાં લગાવેલા હોય અને મિત્રો પાસેથી પણ ઉછીના રૂપિયા લઈ સટ્ો રમતો હોય જેથી તે આશરે 70થી 80 લાખ જેટલી માતબર રકમ ડ્રીમ ઈલેવનમાં હારી જતાં મિત્ર સર્કલનું દેણું થઈ ગયું હોય અને જમીનના પૈસા પણ હારી જતાં પરિવારે પણ સબંધ કાપી નાખતા તે એકલો થઈ જતાં ડિપ્રેશનમાં આવી ગયો હતો અને આત્મહત્યા કરવાના વિચારો આવતા હોવાનું જણાવ્યું હતું. જેથી વીરપુર પોલીસ દ્વારા તે યુવાનનું યોગ્ય કાઉન્સેલીંગ કરી તેને આત્મહત્યાના વિચારો ન કરવા સમજાવી તેની જીંદગી બચાવી લીધી હતી. યુવાન પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સટ્ટાના રવાડે ન ચડવાનું અને નોકરી ઉપર ધ્યાન આપવાનું સમજાવી યુવાનને આત્મહત્યાના વિચારોમાંથી બહાર કાઢી તેનો જીવ બચાવતા યુવાને પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *