ભવનાથ મંદિર ખાતે લેસર શોનું અદકેરૂ આકર્ષણ, શિવ- શક્તિના ભવ્ય રૂપોના દર્શન
પ્રકાશની ગતિશીલતા સાથે તાંડવ નૃત્ય કરતા ભગવાન શિવજી, ત્રિશૂળ, ડમરૂ, શંખ વગેરેની પ્રતિકૃતિઓ, ભવ્ય નજારો નિહાળી મંત્રમુગ્ધ
મહાશિવરાત્રીના મેળામાં ભવનાથ મંદિર ખાતે પ્રથમવાર ભવ્ય લેસર શોનું ભવ્ય આયોજન
ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ રૂૂપ મહા શિવરાત્રીના મેળામાં ટેકનોલોજીનો પણ નવો આયામ જોવા મળી રહ્યો છે, મહા શિવરાત્રીના મેળામાં ભવનાથ મંદિર ખાતે પ્રથમ વખત ભક્તિ અને ટેકનોલોજીના સંગમરૂૂપ લેસર શોએ શ્રદ્ધાળુઓમાં અદકેરૂૂ આકર્ષણ જમાવ્યું છે. મહાશિવરાત્રીના મેળા દરમિયાન લાખો ભાવિકો ભગવાન ભવનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન કરે છે, પરંતુ આ વર્ષે રાજ્ય સરકારના પ્રયાસોથી મહાશિવરાત્રીના મેળાની ભવ્યતા અને દિવ્યતા વધી છે, તેમાં ભાવિકોલક્ષી નવા આયામો ઉમેરાયા છે, જે શ્રદ્ધાળુઓને ભક્તિમય નવી અનુભૂતિ કરાવે છે.
ભવનાથ મંદિર ખાતે લેસર શો દ્વારા આધ્યાત્મિકતાને ઉજાગર કરતા ભવ્ય અને રંગબેરંગી ’જય ગિરનારી’, ’ૐ નમ: શિવાય’, ’ૐ’ ઉપરાંત તાંડવ નૃત્ય કરતા ભગવાન શિવજી, ત્રિશૂળ, ડમરૂૂ, શંખ વગેરેની પ્રકાશની ગતિશીલતા સાથેની પ્રતિકૃતિઓ શ્રદ્ધાળુઓના હૈયે અનેરો ભક્તિભાવ પ્રગટાવે છે. આ લેસર શોની એવી રીતે ગોઠવણ થઈ છે કે, ભવનાથ મંદિરની પાછળ જુના અખાડાનું જે શિવલિંગના આકાર સાથે ભવન બનેલું છે, તેના પર આ લેસર શો દ્રષ્ટિગોચર થાય છે. જે ભવનાથ મંદિરને વધુ દિવ્યતા પણ બક્ષે છે.
આ સંદર્ભમાં પ્રાંત અને મેળા અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભવનાથ મહાદેવના મંદિરમાં અનેક નવા આયામો ઉમેરવામાં આવ્યા છે, જે ભાવિકોમાં ભક્તિભાવ સાથે આકર્ષણ પણ જન્માવે છે, જેમાં મહાશિવરાત્રીના મેળામાં પ્રથમવાર લેસર શોનું આયોજન થયું છે, જે નિહાળી ભવનાથ મંદિર ખાતે આવતા શ્રદ્ધાળુઓ એક અનોખો અનુભવ લઈને જાય છે.
ટેકનોલોજીના માધ્યમથી થતા આ લેસરમાં Gobo – Go Between Optics લાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના થકી શિવજીના જુદા જુદા રૂૂપો, ત્રિશૂળ સહિતની પ્રતિકૃતિઓ દર્શાવવામાં આવી રહી છે.
તેમણે એમ પણ કહ્યું કે, ભવનાથ મંદિર પર 55 કિલોનો ધ્વજદંડ સ્થાપિત કરવામાં આવ્યો છે ઉપરાંત મંદિર પરિસરમાં ભગવાન મહાદેવ રવેડીમાં આવતા હોય તેવું એક એક કાલ્પનિક પેઇન્ટિંગ પણ તૈયાર કરવામાં આવ્યું છે જે પણ ભાવિકોને ખૂબ પસંદ પડ્યું છે.
મેળા દરમિયાન યાત્રિકો માટે નિગમ દ્વારા સવિશેષ સુવિધાઓ કરવામાં આવે છે. જેમાં મહિલા શ્રદ્ધાળુઓની સહાયતા, સુરક્ષા, નિગમની સેવાઓ અને મેળા અંગેની તમામ વિગતો માટે ખાસ ’પિંક બૂથ’ ઊભા કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, ભવનાથ મંદિરમાં ભાવિકોલક્ષી અનેક ફેરફાર કરવામાં આવ્યા છે.
રાજ્યભરમાંથી 1000 એસ.ટી. બસોનું સંચાલન, 850 કર્મચારીઓને જવાબદારી
મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે જૂનાગઢ ખાતે યોજાઈ રહેલા ’મીની કુંભ’ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સલામત અને સુલભ મુસાફરી માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સુયોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના ખૂણે-ખૂણેથી આવતા યાત્રિકોને પરિવહનમાં કોઈ અગવડ ન પડે તે માટે આ વર્ષે કુલ 1,000 બસોનું સંચાલન કરવામાં આવશે.
મેળા દરમિયાન જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લા જેવા જેમાં નજીકના જિલ્લાઓમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે 330 બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, કચ્છ, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદ જેવા અન્ય જિલ્લાઓમાંથી આવતા યાત્રિકો માટે નિગમ દ્વારા વધારાની 500 બસોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જરૂૂર પડે તો વધારાની 75 બસોને સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે.
યાત્રિકોની સુવિધા માટે જૂનાગઢ બસ સ્ટેશનથી વાઘેશ્વરી મંદિર સુધી મુસાફરોની અવરજવર માટે 85 મીની બસો ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, કર્મચારીઓ માટે 13 મીની બસ અને ’ડમરુ યાત્રા’ માટે 14 મીની બસો ફાળવવામાં આવી હતી.
દિવ્યાંગ અને સિનિયર સિટીઝન માટે જૂનાગઢ બસ સ્ટેન્ડથી વાઘેશ્વરી મંદિર સુધી બસની સુવિધા તેમજ વાઘેશ્વરી મંદિરથી ભવનાથ મેળામાં જવા માટે ઓટો રિક્ષા અને દિવ્યાંગો માટે ખાસ વ્હિલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સમગ્ર મેળાના સુચારુ સંચાલન માટે જૂનાગઢ ઝોનના અધિકારીઓ અને સુપરવાઈઝર સહિત કુલ 850 કર્મચારીઓ 24*7 કાર્યરત રહેશે. કોઈપણ ટેકનિકલ ખામી કે આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે મિકેનિકલ ટીમ અને ક્રેનની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.
