6 થી 8 નવેમ્બર સુધી દિવાળી કાર્નિવલનો રંગારંગ જલસો

દીપાવલીના પર્વને વધુ આનંદમય, રંગીન અને યાદગાર બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 6થી 8 નવેમ્બર, 2026 દરમિયાન ભવ્ય દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ…

દીપાવલીના પર્વને વધુ આનંદમય, રંગીન અને યાદગાર બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 6થી 8 નવેમ્બર, 2026 દરમિયાન ભવ્ય દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસ દરમિયાન રોશની, સ્વાદિષ્ટ વાનગીઓ, સંગીત, રંગોળી સ્પર્ધા, ભવ્ય આતશબાજી, લેસર શો અને છ ફ્લોટ સાથેનો ટેબ્લો કાર્નિવલ સહિતના વિવિધ આકર્ષણો રાજકોટવાસીઓને ઉત્સવનો અનોખો અનુભવ કરાવશે.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન મનીષ ભટ્ટ દ્વારા સંયુક્ત યાદીમાં આ અંગેની વિગતો આપવામાં આવી હતી.

દિવાળી પ્રકાશ, ખુશી, એકતા અને નવી આશાઓનો પર્વ છે. આ પરંપરાગત તહેવારને આધુનિક મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે જોડીને નાગરિકો પરિવારજનો અને મિત્રો સાથે ઉત્સવની ખુશીઓ માણી શકે તેવા હેતુથી મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો તૈયાર કરવામાં આવ્યા છે.

દિવાળી કાર્નિવલનો શુભારંભ તા. 6 નવેમ્બર, શુક્રવારના રોજ ધનતેરસના દિવસે સાંજે 6 વાગ્યે રેસકોર્સ રિંગ રોડ ફરતે આકર્ષક રોશનીના પ્રારંભ સાથે થશે. રંગબેરંગી લાઇટિંગથી સજ્જ રેસકોર્સ વિસ્તાર દિવાળીના ઉત્સવ દરમિયાન નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

રોશનીથી ઝળહળતા રસ્તાઓ અને ઉત્સવી માહોલ વચ્ચે રાજકોટવાસીઓને પરિવારજનો તથા મિત્રો સાથે દિવાળીની યાદગાર પળો માણવાની તક મળશે. શહેરની સુંદરતામાં વધારો કરવા અને તહેવાર દરમિયાન આનંદમય વાતાવરણ ઊભું કરવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.

દિવાળી કાર્નિવલના મુખ્ય આકર્ષણોમાં ભવ્ય આતશબાજી અને આધુનિક લેસર શોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તા. 6 નવેમ્બર, શુક્રવારના રોજ સાંજે 7 વાગ્યે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાશે. આકાશમાં રંગબેરંગી આતશબાજીના નયનરમ્ય નજારા અને લેસર શોની આકર્ષક રજૂઆત દિવાળીના ઉત્સવમાં વિશેષ રંગ પૂરશે. પ્રકાશ અને રંગોના સમન્વયથી નાગરિકોને યાદગાર અનુભવ મળે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

દિવાળીના ઉત્સવને કલાત્મકતા અને સર્જનાત્મકતાથી વધુ રંગીન બનાવવા તા. 7 નવેમ્બર, શનિવારના રોજ કાળી ચૌદસ નિમિત્તે રેસકોર્સ રિંગ રોડ ફરતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ સાથે છ ફ્લોટ ધરાવતા ટેબ્લો કાર્નિવલનું પણ ઉદ્ઘાટન થશે. મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને પરિવારજનો અને મિત્રો સાથે આ કાર્યક્રમોમાં સહભાગી બની દિવાળીના પર્વની ખુશીઓ માણવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

દિવાળી કાર્નિવલની હાઈલાઈટ્સ
(1) તા.6 નવેમ્બર, શુક્રવાર – ધનતેરસના દિવસે સાંજે 06:00 કલાકે રેસકોર્ષ રિંગ રોડ ફરતે દિવાળી કાર્નિવલ રોશનીનો શુભારંભ
(2) તા.6 નવેમ્બર, શુક્રવાર – ધનતેરસના દિવસે સાંજે 06:00 કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ફૂડ ફેસ્ટિવલનો શુભારંભ (ફૂડ ફેસ્ટિવલ પાંચ દિવસ સુધી ચાલુ રહેશે)
(3) તા.6 નવેમ્બર, શુક્રવાર ધનતેરસના દિવસે સાંજે 07:00 કલાકે ભવ્ય આતશબાજી અને લેસર શો
(4) તા.7 નવેમ્બર, શનિવાર – કાળી ચૌદસ નિમિત્તે રંગોળી સ્પર્ધા અને છ ફ્લોટ સાથે ટેબ્લો કાર્નિવલનું ઉદ્ઘાટન (ટેબ્લો કાર્નિવલ તા.7 અને 8 નવેમ્બર, 2026 એમ બે દિવસ સુધી યોજાશે.)

રેસકોર્સ ગ્રાઉન્ડમાં પાંચ દિવસ ફૂડ ફેસ્ટિવલ
દિવાળીના સ્વાદનો આનંદ માણવા માટે તા. 6 નવેમ્બરના રોજ સાંજે 6 વાગ્યે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ થશે. આ ફૂડ ફેસ્ટિવલ પાંચ દિવસ સુધી ચાલુ રહેશે. વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો આસ્વાદ માણવા ઇચ્છતા નાગરિકો માટે આ આયોજન વિશેષ આકર્ષણરૂૂપ બનશે. દિવાળીની રજાઓ દરમિયાન રોશની અને સ્વાદિષ્ટ વાનગીઓના સંગમ સાથે નાગરિકો ઉત્સવનો આનંદ માણી શકશે. ફૂડ ફેસ્ટિવલના કારણે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ઉત્સવમય માહોલ સર્જાશે.

રંગોળી સ્પર્ધા અને ટેબ્લોનું આકર્ષણ
રંગોળી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું અભિન્ન અંગ છે. રંગો અને વિવિધ આકૃતિઓના સમન્વયથી તૈયાર થતી રંગોળીઓ દિવાળીના પર્વની સુંદરતામાં વધારો કરે છે. સ્પર્ધા દ્વારા કલાપ્રેમીઓને પોતાની સર્જનાત્મકતા અને કલાત્મક પ્રતિભા રજૂ કરવાની તક મળશે. છ ફ્લોટ સાથેનો ટેબ્લો કાર્નિવલ આ આયોજનનું વિશેષ આકર્ષણ રહેશે. કાર્નિવલ તા. 7 અને 8 નવેમ્બર, એમ બે દિવસ સુધી યોજાશે. બંને દિવસ દરમિયાન નાગરિકો વિવિધ આકર્ષક રજૂઆતો અને ઉત્સવી માહોલનો આનંદ માણી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *