શાપર નજીક ઝુપડપટ્ટીમાં રહેતો પરિવાર ગોંડલના ગુંદાસરા ગામે બાંધકામની સાઈટ ઉપર હતો. ત્યારે અઢી વર્ષનો માસુમ રમતા રમતા અકસ્માતે પહેલા માળેથી નીચે પટકાયો હતો ગંભીર રીતે ઘવાયેલા માસુમનું સારવારમાં મોત નિપજતા પરિવાર ચોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપર પાટીયા નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં રહેતા રહેતો પરિવાર ગોંડલના ગુંદાસરા ગામે ભાવિનભાઈની બાંધકામની સાઈટ પર હતો ત્યારે હિમાંશુ સુનીલભાઈ માવી નામનો અઢી વર્ષનો માસુમ રમતા રમતા અકસ્માતે પહેલા માળેથી નીચે પટકાયો હતો.
ગંભીર રીતે ઘવાયેલા માસુમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં માસુમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ ઉપરાંત બીજા બનાવમાં મૂળ અમદાવાદનો વતની અને હાલ ટંકારાના છતર ગામે શ્રીરામ ફેક્ટરીમાં કામ કરતો જુનેદ નુરમોહમદ શેખ નામનો 37 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે કારખાનામાં ફાઈબરના શેડમાં પેનલનું કામ કરતો હતો ત્યારે અકસ્માતે 40 ફૂટ જેટલી ઊંચાઇથી નીચે પટકાયો હતો.
યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન ચાર ભાઇ ત્રણ બહેનમાં વચ્ચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.