રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતો સન્ની પરમાર તેના મિત્ર આર્યન સાથે હાથીખાના વિસ્તારમાં આવેલી નવયુગ હાઈસ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર જોવા માટે ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે ભુપેન્દ્ર રોડ પર આવેલા રોયલ સ્ક્વેર કોમ્પ્લેક્સ પાસે સાયકલ માટે લાઈટિંગની સિરીઝ જોઈને રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે બસ સ્ટેન્ડ તરફથી આવતા જીજે-11-પી-8280 નંબરના બાઈક ચાલક ધવલગીરી હરેશગીરી મેઘનાથીએ તેને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત બાદ ઈજાગ્રસ્ત સન્નીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેના જમણા પગમાં ફ્રેક્ચર થઇ ગયું હતું આવતા તબીબો દ્વારા ઓપરેશન કરી પગમાં બે પ્લેટ બેસાડવામાં આવી હતી. હાલ સન્ની ઘરે બેડરેસ્ટ પર હોવાનું તેના પિતા દિનેશભાઈ પરમાર(ઉ.વ.56) એ ફરિયાદમાં જણાવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, તેમનો પુત્ર ધો.11 માં અભ્યાસ કરે છે પરંતુ અકસ્માતની આ ઘટનાને કારણે તે હાલ પરીક્ષા આપી શકવાની સ્થિતિમાં નથી. પોલીસે બાઈક ચાલક ધવલગીરી વિરુદ્ધ બીએનએસની કલમ 125(એ), 125(બી), 281 તથા મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ ગોહિલને તપાસ સોંપી છે.
