મીર્ઝાપુરના શૂટરે પોલીસ ઉપર બે ભડાકા કર્યા, વળતા ફાયરિંગમાં ‘લંગડો’ થયો

શહેરને હચમચાવી મુકનારા આજી જીઆઇડીસીના રૂૂ.1.53 કરોડોની લૂંટ અને તન્વી એક્સપોર્ટના કર્મચારી લાલજીભાઇ સરધારા મર્ડર કેસમાં એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. રિમાન્ડ પર…

શહેરને હચમચાવી મુકનારા આજી જીઆઇડીસીના રૂૂ.1.53 કરોડોની લૂંટ અને તન્વી એક્સપોર્ટના કર્મચારી લાલજીભાઇ સરધારા મર્ડર કેસમાં એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. રિમાન્ડ પર રહેલા અને ઘટનામાં મુખ્ય શૂટર તરીકેની ભૂમિકા ભજવનારા ઉતર પ્રદેશના મિરઝાપુરના આરોપી અનુરાગસિંગ અને ક્રાઈમ બ્રાંચની ટીમ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. અનુરાગને સાથે રાખી જ્યારે ક્રાઈમ બ્રાંચની ટીમ લુંટ અને હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર જ્યાં છુપાવ્યું હતું, તે કબજે કરવા માટે હીરાસર એરપોર્ટ નજીક આરકે ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં લઇ જવામાં આવ્યો, ત્યારે હથિયાર રિકવરી વેળાએ રચાયો ’મૌત કા ખેલ’ ખેલાયો હતો. અનુરાગે ફિલ્મી ઢબે પોલીસ ટીમ પર જ ફાયરિંગ કરી દેતાં સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. સ્વબચાવમાં ક્રાઈમ બ્રાંચના પીએસઆઇ વી.ડી.ડોડીયાએ કરેલા જવાબી ફાયરિંગમાં મિરઝાપુર શુટર અનુરાગસિંગના પગમાં ગોળી વાગતાં તે લંગડો બન્યો હતો. ચકચારી બનાવમાં આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ વધુ એક ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ઘટનાની મળતી વિગતો અનુસાર, આજી જીઆઇડીસીમાં સ્થિત તન્વી એક્સપોર્ટ કંપનીના કર્મચારી લાલજીભાઇ સરધારા પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી તેમની કરપીણ હત્યા નિપજાવી દોઢ કરોડ રૂૂપિયાના સોના-ચાંદીની લૂંટ ચલાવવામાં આવી હતી. આ હાઇપ્રોફાઇલ કેસમાં પોલીસે યુપીની પંડિત ગેંગના 10 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં તન્વી એક્સપોર્ટના પૂર્વ કમર્ચારીઓ અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ મનોજસીંગ રાજપુત (ઉ.વ. 27, રહે. ચંદૌલી, યુ.પી.) હાલ તન્વી ગોલ્ડમાં નોકરી કરતો અને લુંટની ટીપ આપનાર મોચીબજારમાં રહેતા શૈલેષકુમાર કર્મવીરભાઇ ખરવાર તેમજ રેપિડો ડિલિવરી બોય તરીકે નોકરી કરતા મિરઝાપુરના અનુરાગસીંગ ઓમપ્રકાશસીંગ રાજપુત (ઉ.વ. 21) , ગાજીપુર રહેતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થી વિસાલસીંગ વિનોદસીંગ રાજપુત (ઉ.વ. 23), રેપિડો ડિલિવરી બોય શીવમ ગીરીશચંદ્ર ગુપ્તા (ઉ.વ. 19) , ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા સોનભદ્રના વેદાંત કાંત ઉર્ફે અમન રમાકાંત પાંડે (ઉ.વ. 28), ડ્રાઇવિંગ કરતા પવનકુમાર શિવપ્રસાદ ચૌબે (ઉ.વ. 39) , મિરઝાપુરના ટ્રાન્સપોર્ટર અરવીંદ ઉર્ફે નીરજ હરીશંકર તીવારી (ઉ.વ. 35) , ચંદૌલીના અજીતકુમાર રામશપથ પાંડે (ઉ.વ. 24) અને શિવમ અશોક પાંડે ની ધરપડક કરી હતી અને ચાર દિવસના રિમાન્ડ ઉપર પુછપરછ શરૂૂ કરી હતી.

રિમાન્ડ હેઠળ રહેતા મિરઝાપુરના શૂટર અનુરાગસિંગ ઓમપ્રકાશસિંગ રાજપૂત ની સઘન પૂછપરછ કરવામાં આવતા તેણે કબૂલ્યું હતું કે ગુનામાં વાપરેલું હથિયાર તેણે હીરાસર એરપોર્ટ આર,કે. ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર નજીક છુપાવ્યું છે અને તે બતાવવા માટે તૈયાર છે. આથી ક્રાઈમ બ્રાંચના પીઆઇ એ.એસ. ચાવડાની સૂચનાથી પીએસઆઇ વનરાજસિંહ દિલીપસિંહ ડોડિયા, એએસઆઇ અમિતભાઇ અગ્રાવત, એએસઆઇ દિગપાલસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ જળુ અને ગોપાલભાઇ બોળિયા સરકારી વાહનમાં ડ્રાઇવર અનુભાઇ ચાવડા સાથે પંચોને સાથે રાખીને આરોપીને ઘટનાસ્થળે લઇ ગયા હતા.

મિરઝાપુરના શાર્પશૂટર અનુરાગસિંગે બતાવેલ જગ્યાએ આર. કે. ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ક્રાઈમ બ્રાંચની ટીમ પહોંચી હતી. ત્યાંથી હાઇવેથી આશરે સો મીટર અંદર સિમેન્ટ રોડ પર જમણી બાજુ બાવળની ઝાડીઓમાં તપાસ કરતાં બોરીડીના ઝાંખરામાંથી એક દેશી બનાવટની પિસ્તોલ અને તેનું મેગેઝિન મળી આવ્યા હતા. પોલીસે રૂૂ. 10,000ની કિંમતનું આ હથિયાર જપ્ત કરી વેપન બોક્સમાં મૂકવાની કામગીરી શરૂૂ કરી હતી. પરંતુ, શાતિર દિમાગ ધરાવતો આરોપી અનુરાગસિંગ કોઈ અલગ જ ખતરનાક મનસુબો બનાવીને આવ્યો હતો, હથિયાર કબજે કરવાની કાર્યવાહી ચાલુ હતી ત્યારે આરોપી અનુરાગસિંગના એક હાથમાં હાથકડી હતી અને બીજો છેડો એએસઆઇ અમિતભાઇ અગ્રાવતના હાથમાં હતો. અચાનક અનુરાગસિંગે પૂરતા જોરથી એએસઆઇ અમિતભાઇને જોરદાર ધક્કો માર્યો હતો અને પક્કડ છોડાવીને દસ-પંદર ફૂટ દૂર બાવળની ઝાડી તરફ દોટ મૂકી હતી.

ઝાડીમાં અગાઉથી જ સંતાડી રાખેલું બીજું હથિયાર કાઢીને તેણે તાત્કાલિક પીએસઆઇ વી. ડી. ડોડિયા અને પોલીસ ટીમ પર તાકી દીધું હતું અને રાડ પાડીને ધમકી આપી હતી કે: “તુમ લોગ યહાં સે નહિ ગયે તો ગોલી માર દુંગા!” પીએસઆઇ વી.ડી. ડોડિયાએ અત્યંત સમસૂચકતા વાપરી આરોપીને હથિયાર નીચે મૂકી સરન્ડર કરી દેવા સમજાવ્યો હતો અને તેની તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, આક્રમક બનેલા શુટર અનુરાગ સિંગે હત્યાના ઈરાદે ક્રાઇમ બ્રાંચની ટીમ પર ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધા હતા, સદ્દનસીબે ફાયરીંગમાં પોલીસ કર્મચારીઓનો આબાદ બચાવ થયો હતો.

જ્યારે શુટર અનુરાગસિંગ આરોપી ત્રીજી વખત ભડકો કરવાની તૈયારીમાં હતો, ત્યારે સ્થિતિની ગંભીરતા સમજીને પીએસઆઇ વી.ડી. ડોડિયાએ પોતાની સરકારી પિસ્તોલ કાઢી સ્વબચાવમાં આરોપી તરફ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પીએસઆઇની ગોળી સીધી અનુરાગસિંગના જમણા પગના ઘૂંટણમાં ખૂંપી ગઈ હતી, અને તે ઈજાગ્રસ્ત બની જમીન પર ઢળી પડ્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને શુટર અનુરાગસિંગનો જ શર્ટ કાઢી સ્થળ ઉપર પ્રાથમિક સારવાર આપી તેના લોહીલુહાણ પગ પર પાટો બાંધી દીધો હતો, જેથી વધુ લોહી ન વહે. ત્યારબાદ તુરંત પોલીસ ક્ધટ્રોલ રૂૂમ અને ઉચ્ચ અધિકારીઓને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે 108 એમ્બ્યુલન્સ બોલાવીને ઘાયલ આરોપી અનુરાગસિંગને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તે હાલ પોલીસ બંદોબસ્ત હેઠળ સારવાર હેઠળ છે.

મોડી સાંજે બનેલી આ સનસનાટીભરી ઘટનાની જાણ થતાં જ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઇ, એસીપી રાધિકા ભારાઇ, ક્રાઇમ બ્રાંચ પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ સહિતનો મોટો પોલીસ કાફલો તાબડતોબ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

ડીસીપી ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી. ડી. ડોડિયાની ફરિયાદના આધારે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં મિરઝાપુરના શુટર અનુરાગસિંગ ઓમપ્રકાશસિંગ રાજપૂત વિરુદ્ધ પોલીસ ટીમ પર જાનલેવા હુમલો કરવા, સરકારી ફરજમાં રુકાવટ અને આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગંભીર ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે યુપીની આ શાતિર લૂંટારૂૂ ગેંગ કેટલી ઘાતકી અને ખતરનાક હતી. જોકે, રાજકોટ ક્રાઇમ બ્રાંચની સતર્કતા અને વળતા પ્રહારથી મોટી ઘટના બનતા અટકી હતી.

એસીપી ભરત બસીયાની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના
આજી જીઆઇડીસીમાં તન્વી એક્ષપોર્ટ નામના કારખાનાના મેનેજર લાલજીભાઇ સરધારા ઉપર ફાયરિંગ કરી રૂૂા.1.53 લાખના સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવનાર ઉત્તરપ્રદેશની ટોળકીના દસ સભ્યોની વીધિવત ધરપકડ કરી ક્રાઇમ બ્રાંચે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. કારખાનામાંથી છ માસ પહેલાં છૂટા કરી દેવાયેલાં અશ્વિની ઉર્ફે લંકેશે આ લૂંટની યોજના બનાવી હતી. જેમાં તેને હાલ કારખાનામાં કામ કરતાં શૈલેષે મદદગારી કરી હતી. લુંટનો પ્લાન બનાવનાર મુખ્ય આરોપી ઉત્તર પ્રદેશના અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ, અનુરાગસીંગ, વિસાલસીંગ, શીવમ ગુપ્તાને લુંટ માંથી 70 ટકા હિસ્સો મળવાનો હતો જયારે વેદાંત પાંડે, પવનકુમાર ચૌબે, અરવીંદ તીવારી, શૈલેષકુમાર ખરવાર , અજીતકુમાર પાંડે અને શિવમ પાંડેને બાકીનો 30 ટકા હિસ્સો આપવાનું નક્કી કયું કર્યું હતું. જોકે ટોળકી નો પ્લાન સફળ થયો નહી અને તમામ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાવામાં આવી છે. જેના માટે ક્રાઈમ બ્રાંચના એસીપી ભરત બસીયાની અધ્યક્ષતામાં સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામ આવી છે. આ અધ્યક્ષતામાં સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમમાં ક્રાઈમ બ્રાંચના પી.આઈ એ.એસ.ચાવડા ઉપરાંત ત્રણ પીએસઆઈ અને રાઈટર સહીત 10 પોલીસ જવાનોને સામેલ કરવામ આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *