ભક્તિમાં લીન બની નાચતા રાજકોટના ‘શિવ’ ભકતનું ચરખડીમાં કૂવામાં ડૂબી જતા મૃત્યુ

ગોંડલ નજીક આવેલા ચરખડી ગામ પાસે એક કરુણ ઘટના સામે આવી છે. રાજકોટના મવડી ચોકડી વિસ્તારમાં રહેતા અને શિવભક્તિમાં લીન રહેતા 65 વર્ષીય વૃદ્ધનું કૂવામાં…

ગોંડલ નજીક આવેલા ચરખડી ગામ પાસે એક કરુણ ઘટના સામે આવી છે. રાજકોટના મવડી ચોકડી વિસ્તારમાં રહેતા અને શિવભક્તિમાં લીન રહેતા 65 વર્ષીય વૃદ્ધનું કૂવામાં પડી જવાથી મોત નીપજ્યું છે. ઘટનાના ગણતરીના સમય પહેલાં જ તેઓ ભક્તિભાવમાં મગ્ન થઈને નૃત્ય કરી રહ્યા હતા. જોકે, ત્યારબાદ અકસ્માતે કૂવામાં પડી ગયા હતા અને તેમનું મોત થયું હતું. ગોંડલ પાલિકાની ફાયર બ્રિગેડે લાશ કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી.

મળતી માહિતી મુજબ, રાજકોટના મવડી ચોકડી નજીક રહેતા કાબા ચકુ ઉમરેટિયા (ઉંમર 65) ચરખડી હાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરી પાછળ આવેલી પોતાની માલિકીની વાડીએ છેલ્લા 15 દિવસથી વૃક્ષારોપણ માટે આવતા હતા. તેઓ દિવસ દરમિયાન વાડીએ વૃક્ષો વાવ્યા બાદ સાંજે રાજકોટ પોતાના ઘરે પરત ફરતા હતા.
કાબા શિવભક્તિના રંગે રંગાયેલા હતા અને ધાર્મિક કાર્યોમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા હતા. સવારે તેઓ પોતાની વાડીએ પૂજા-અર્ચના કરવા બેઠા હતા. પૂજા દરમિયાન તેઓ ભક્તિભાવમાં એટલા લીન થઈ ગયા કે ઊભા થઈને નૃત્ય કરવા લાગ્યા હતા.

પૂજા પૂર્ણ કર્યા બાદ તેઓ બાજુમાં આવેલી વિનુ ગજેરાની વાડી તરફ ગયા હતા. જ્યાં અકસ્માતે પગ લપસી જતાં તેઓ આશરે 70 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યા હતા. કૂવામાં પાણી વધુ હોવાને કારણે ડૂબી જવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ કાબાનો લાશ બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ લાશને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ગોંડલ તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક કાબાના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે. ભક્તિભાવવાળા અને શાંત સ્વભાવના કાબાના અકાળે અવસાનથી ઉમરેટિયા પરિવાર અને સ્નેહીજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *