પૂરઝડપે આવતી સ્કૂલવાન સિટી બસ અડફેટે ચડી, 5 છાત્રાને ઈજા

શહેરના મોટી ટાંકી ચોકમાં સર્જાયેલો અકસ્માત, ઘટનાના સીસીટીવી વાયરલ રાજકોટ શહેરમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં માતેલા સાંઢની માફક દોડતી…

શહેરના મોટી ટાંકી ચોકમાં સર્જાયેલો અકસ્માત, ઘટનાના સીસીટીવી વાયરલ

રાજકોટ શહેરમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં માતેલા સાંઢની માફક દોડતી એક સ્કૂલવાન અને સિટી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કૂલવાન રોડ પર જ પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં વાનમાં સવાર આશરે 5 જેટલી વિદ્યાર્થિનીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે અકસ્માતની તીવ્રતા દર્શાવે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સ્કૂલવાનનો ચાલક વાનને અત્યંત પૂરઝડપે હંકારી રહ્યો હતો. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને અને વિદ્યાર્થિનીઓના જીવ જોખમમાં મૂકીને ગાડી દોડાવતા ચાલકે સિટી બસ સાથે ટક્કર મારી હતી. ટક્કર લાગતા જ વાન ફંગોળાઈને રસ્તા પર પલટી ગઈ હતી.

આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને વાનમાં ફસાયેલી વિદ્યાર્થિનીઓને બહાર કાઢી હતી.તપાસમાં વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે, બાળકોને લઈ જતી આ સ્કૂલવાન પાસે જરૂૂરી ’ટેક્સી પાસિંગ’ પણ નહોતું. નિયમોનું ઉલ્લંઘન કરીને ખાનગી પાસિંગ ધરાવતી ગાડીમાં વિદ્યાર્થીઓને લાવવા-લઈ જવાનું જોખમી કામ કરવામાં આવી રહ્યું છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘાયલ વિદ્યાર્થિનીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને ફરાર અથવા બેદરકાર વાન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટનાએ ફરી એકવાર સ્કૂલ વર્ધીમાં ચાલતી વાહનોની સુરક્ષા અને નિયમોના પાલન સામે સવાલો ઉભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *