ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ, શ્રીરામ ડેરી અને શ્યામ ડેરી સીલ, નમૂના લઇ દંડ ફટકારાયો
રાજકોટમાં વધુ ત્રણ પેઢી લોકોના જીવ સાથે ચેડા કરીને બીનઆરોગ્યપ્રદ પનીરનું ઉત્પાદન કરતા રંગેહાથ પકડાઇ હતી. શહેરના લાતી પ્લોટમાં ફોર્ચ્યૂન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ, દોઢસો ફૂટ રિંગરોડ પર સોમનાથ સોસાયટીમાં શ્રીરામ ડેરી અને કોઠારિયા મેઇન રોડ પર આવેલી શ્યામ ડેરી પ્રોડક્ટમાંથી ફૂગ ચડેલી મલાઇ અને પનીરનો જંગી જથ્થો પકડાતા હતો. ઉક્ત ત્રણેય પેઢીને સીલ કરી દેવામા આવી છે.
મનપાની આરોગ્ય શાખાને મળેલી બાતમીના આધારે પાડવામા આવેલા દરોડા દરમિયાન શહેના લાતી પ્લોટ શેરી નં.4માં ફોર્ચ્યૂન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટના નામથી ચાલતી પેઢીમાં લુઝમાં વેંચાતા પનીરનો નમુનો લેવામા આવ્યો છે. પનીર બીનઆરોગ્યપ્રદ હોવાથી રૂૂ.5000નો દંડ ફટકારીને પેઢી સીલ કરવામા આવી હતી.
જયારે દોઢસો ફૂટ રિંગરોડ પર સોમનાથ-3 સોસાયટીની શેરી નં.1માં આવેલી શ્રીરામ ડેરીમાંથી ફૂગવાળી મલાઇ મળી આવી હતી. ડેરીમાંથી મલાઇ અને પનીરના નમુના લેવામા આવ્યા હતા. રૂૂ.5000નો દંડ ફટકારીને શ્રીરામ ડેરીને સીલ કરી દેવામા આવી છે.
આ ઉપરાંત અન્ય દરોડામાં કોઠારિયા મેઇન રોડ પર વિવેકાનંદનગર શેરી નં.9માં આવેલા શ્યામ ડેરી પ્રોડક્ટ નામના યુનિટમાંથી પનીર એનેલોગના સેમ્પલ લઇને રૂૂ.5000નો દંડ ફટકારી યુનિટ સીલ કરી દેવામા આવ્યુ છે.
કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા ચાલી રહેલી ચેકિંગ ઝૂંબેશમાં ખાણી-પીણીના ધંધાર્થીઓનુ ધુપ્પલ બહાર આવી રહ્યો છે. ગઇકાલે તો જોઇને ઉલ્ટી થાય તેવી કાળી ફૂગ વાળી મલાઇ અને પનીરનો જથ્થો ઝડપાયો હતો.
રેલવે જંકશન સામે, સાધુ વાસવાણી રોડ, શેઠનગરના ગેટ પાસે ફૂડ શાખા ત્રાટકી
શહેરના રેલવે જંકશન સામે આવેલા ખાણીપીણીની હોટલ-રેસ્ટોરેન્ટ સહિત 16 જગ્યાએ ચેકીંગ કરવામા આવ્યુ હતુ. એ દરમિયાન પાંચ સ્થળેથી 47 કિલો વાસી ખાદ્યસામગ્રીનો નાશ કરવામા આવ્યો હતો. જ્યારે સાધુ વાસવાણી રોડ પર 10 રેસ્ટોરેન્ટમાં ચેકીંગ દરમિયાન ચાર જગ્યાએથી 74 કિલો વાસી ખાદ્યસામગ્રીનો નાશ કરાયો હતો. આ ઉપરાંત જામનગર રોડ પર શેઠ નગરના ગેટ પાસે ઉભી રહેતી ખાણીપીણીની રેકડી, રેસ્ટોરેન્ટ સહિત 12 જગ્યાએ ચેકીંગ દરમિયાન ત્રણ જગ્યાએથી 15 કિલો વાસી સામગ્રીનો નાશ કરાયો હતો.
