જય રણછોડ… માખણચોરના નાદથી ગુંજી ઉઠયું ડાકોર, ફાગોત્સવનો ભવ્ય પ્રારંભ
યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં સોમવારે આમલકી એકાદશી પર્વ નિમિતે દર્શનાર્થીઓનો મહેરામણ ઊમટી પડયો હતો. સાંજે 5 વાગે ઉત્થાપન આરતી બાદ નિજ મંદિરમાંથી શ્રીજીના બાળસ્વરૂૂપ ગોપાલ લાલજી મહારાજ સુશોભિત કરાયેલી સુવર્ણ પાલખીમાં બિરાજીને મંદિરમાં પરિક્રમા કરી હતી. ત્યારબાદ મંદિર બહાર ભગવાન ગજરાજ (હાથી) પરની ચાંદીની અંબાડીમાં બિરાજમાન થઇને વાજતે ગાજતે ભવ્યાતિભવ્ય પર શોભાયાત્રા નીકળી હતી.
આ સમયે વૈષ્ણવો તથા શ્રાદ્ધાળુઓના જય રણછોડ …માખણચોર ના નાદથી યાત્રાધામ ગુંજી ઉઠયું હતું. લાલબાગ ખાતે સાંજે 7 વાગ્યાના અરસામાં ભગવાન સાથે અબીલ ગુલાલ સહિત વિવિધ રંગોથી હોળી ખેલીને શ્રાદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી. વૈષ્ણવો, ભકતો રણછોડયમય બની ગયા હતા. યાત્રાધામ ડાકોરમાં આમલકી એકાદશી પર્વ સોમવાર થી ફાગોત્સવ (હોળી ધુળેટી પૂનમ મેળો) નો પ્રારંભ થઇ ગયો છે. આ પર્વ નિમિતે રાજાધિરાજ રણછોડરાયજી મંદિરમાં વહેલી સવારથીજ દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. આ દિવ્ય પ્રસંગે ભગવાનને વિશેષ શ્વેત વાઘા અને આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો હતો. આખો દિવસ ભકતજનોનો અવિરત પ્રવાહ રહ્યો છે. જયારે સાંજે ઉત્થાપન આરતી બાદ 5.30 કલાકે ગોપાલલાલજી મહારાજ ને જય રણછોડ ..માખણચોરના જયઘોષ સાથે શણગારેલી સુવર્ણ પાલખીમાં બિરાજમાન કરાવ્યા હતા. મંદિરની પરિક્રમા કરીને 5.45 વાગ્યાના અરસામાં મંદિર બહાર ભગવાનની શોભાયાત્રા નીકળી હતી.
મંદિર બહાર સુશોભિત ગજરાજ (હાથી) ઉપર ચાંદીની અંબાડીમાં શ્રીઠાકોરજી બિરાજમાન થયા હતા. ત્યારબાદ શ્રીઠાકોરજીની હાથી ઉપર શાહી સવારી નગરમાં વાજતે ગાજતે નીકળી હતી. હાથી ઉપર બિરાજીત ભગવાન ગોપાલ લાલજી મહારાજ વસંતઋતુને નિહાળવા નીકળ્યા હતા. અમદાવાદ-ઉમરેઠ, ડાકોરની ભજન મંડળીઓ દ્વારા સૂર સંગીત અને ભજન કિર્તનની રમઝટ સાથે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
દિવ્ય અને ભવ્ય શોભાયાત્રા નગરના જાહેર માર્ગો પર થઇને સાત વાગ્યાના અરસામાં લાલબાગ ખાતે પહોંચી હતી. જયાં ભગવાનને ધાણી, અને મગસ ધરાવીને આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ સેવકો, વૈષ્ણવો અને મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓએ અબીલ ગુલાલ સહિત વિવિધ રંગોની છોળ ઉડાડીને હર્ષોલ્લાસ સાથે રંગોત્સવ ઉજવીને વ્રજભૂમિમાં હોળી ખેલ્યાની અનુભૂતિ સાથે ધન્ય બન્યા હતા.
