બેઠકમાં દાણા જોઇ રૂા.5100થી 1 લાખ સુધી રૂપિયા પડાવતો: દંપતી પાસેથી 45 હજાર પડાવી લેતા મેટોડામાં છટકું ગોઠવી રંગેહાથ પકડી લીધો: આંકડા રમવાનો શોખીન નીકળ્યો ભૂવો, નગ્ન વીડિયો વાઇરલ
ભૂવા અને તેના ચાર સાગરિતોએ ધતિંગ લીલા બંધ કરવાની જાહેરાત કરી માફી માંગી
રાજકોટમાં હરીધવા રોડ પર મોરારીનગરમાં રહેતો ભુવો 10 વર્ષતી ધતિંગ લીલા ચલાવતો હોય લોકોના દુ:ખ દર્દ દુર કરવાના નામે દોરા ધાગા કરી બેઠકમાં દાણા જોવાના રૂા.5100થી લઇ રૂા.1 લાખ સુધી પડાવતો હતો. પીડિત દંપતિ પાસેથી રૂા.45000 પડાવી દેતા તેણે વિજ્ઞાન જાથાને જાણ કરી હતી. જેથી જાણા દ્વારા મેટોડામાં છટકુ ગોઠવી ધતિંગ લીલા કરનાર ભુવા અને તેના ચાર સાગરીતોને રંગે હાથ ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં ભુવો આકડા રમવાનો શોખીન નીકળ્યો હતો. અને તેનો નગ્ન વીડિયો પણ વાઇરલ થયો હતો. જાથા દ્વારા ધતિંગ લીલાનો પર્દાફાશ કરતા ભુવા અને તેના સાગરીતોએ ધતિંગ લીલા બંધ કરવાની જાહેરાત કરી માફી માંગી હતી.
જાણવા મળતી વિગત મુજબ જાથાના કાર્યાલયે પીડિત દંપતિએ આપેલી હકિકતમાં ભુવો મહેશ હરિધવા મેઈન રોડ, નવનીત હોલવાળી શેરી, મોરારીનગર-3 “મા મસાણી” ઘરમાં માતાજીનો મઢ રાખી બાનુ પહેરી લોકોના દુ:ખ-દર્દ, દોરા-ધાગા, નિવારણ વિધિ, બેઠક રાખી ધૂણીને ઉપચારનું કામ કરે છે. બેઠકમાં સાગ્રીતો સાથે આવીને દાણા જોઈ વિધિના રૂૂા. 5100 વસુલે છે. વાયણુંવાળા માટે એકવીસ હજારથી એક લાખની વિધિ જણાવે છે. પરિવારમાં અંદરોઅંદર ઝઘડા કરાવવા, સ્મશાનમાં વિધિ, દોરા બાંધવા, યેનકેન છેતરપિંડી આચરે છે. પિડીતાના ઘરે જઈ બે પાકીટ સીગારેટ, ગુલાબનો હાર, આગતા-સ્વાગત જોવાના રૂપિયા સાથે સ્પે. વાહનનું ભાડું વસુલે છે. ઉતારની વિધિમાં ભય-ડર બતાવી મોટી રકમ પડાવે છે. પીડિત દંપતિએ રૂૂપિયા પીસ્તાલીસ હજારની છેતરપિંડીનો ભોગ બન્યાની હકિકત આપી હતી. ભુવાના ચક્કરમાં પોતે વ્યાજના ચક્કરમાં ફસાયાની સાથે દયનીય આપવિતી જણાવી હતી. જાથાને જરૂરી આધાર-પુરાવા આપ્યા હતા. ભોગ બનેલાની નામાવલિ આપી હતી.
દંપતિએ આપેલી માહિતીના આધારે જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ ડમી માણસને મોકલી ભુવાની ધતિંગલીલાની ખરાઇ કરી હતી. બાદમાં ભુવાને પકડી પાડવા માટે છટકુ ગોઠવ્યુ હતુ અને તેનો પર્દાફાશ કરવા મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં અંજલી પાર્કમાં બોલાવવામાં આવ્યો હતો. ભુવાએ ફૂલહાર, સીગારેટના પાકીટ પાંચ વ્યક્તિ, ગાડીનું ભાડું સહિત રૂા.સાત હજાર તૈયાર રાખવાની વાત કરી સમય તારીખ આપ્યા હતા.
જાથાના પંડયાએ પર્દાફાશ કરવા માટે પોલીસ બંદોબસ્ત માટે મુખ્યમંત્રી, અધિક મુખ્ય સચિવ, આઈ.જી.પી. રાજકોટ રેન્જ, જિલ્લા પોલીસ વડાને પત્ર પાઠવી માંગણી મુજબ મેટોડા પોલીસ સ્ટેશનને જરૂૂરી સુચના મોકલવામાં આવી હતી. મેટોડા પોલીસ સ્ટેશનમાંથી પી.આઈ. એસ. એચ. શર્માએ હેડ કોન્સ્ટે. યુવરાજસિંહ અશોકસિંહ જાડેજા, હેડ કોન્સ્ટે. હિતેશભાઈ રણછોડભાઈ, મહિલા કોન્સ્ટે. ધર્મિષ્ઠાબેન પ્રવિણભાઈ અને દર્શનાબેન પટેલને જાથાના બંદોબસ્ત માટે ફાળવી દીધા.
રાજકોટથી ભુવો મહેશ વાળા તેના સાગ્રીતો ધીરજ વીરજી બગડા, બ્રિજરાજસિંહ જાડેજા, ધર્મેશ હરેશભાઈ, હરેશ હસમુખ સોલંકી મેટોડા દાણા પાડવાની બેઠક માટે રવાના થયા. વિધિ માટેનું રહેઠાણ સુસજ્જ રાખવામાં આવ્યું. ઘરમાં દાણાની પાટ નાખવામાં આવી અને સાગ્રીતો સાથે ભુવાએ વિધિ શરૂૂ કરી. પુરાવા આવી જતા મેટોડા પોલીસ સ્ટાફ સાથે જાથાની ટીમ પહોંચી હતી અને ભુવાની ધતિંગલીલાનો પર્દાફાશ કર્યો હતો.
ભુવો આંકડાનો જુગાર રમતો હતો. ગોંડલથી આંકડા આવતા હોવાનું બહાર આવ્યું હતું. ભુવાના મોબાઈલમાં ગિરીશ વાળા સહિતના નામો ખુલ્યા હતા. લગ્ન પહેલાનો નગ્ન વિડીયો સામે આવ્યો હતો. સ્મશાનમાં વિધિ-વિધાન કરતો હોવાનું ખુલ્યું હતું. પીડિતાના રૂૂપિયા પરત આપવાની બાંહેધરી આપી હતી. કાયમી ધતિંગલીલાની બંધની ખાત્રી આપી હતી.
કબુલાતનામામાં હું ભુવા મહેશ મનજી વાળા, બાબરીયા ઈન રોડ, મોરારીનગર-3 માં રહું છું, રીક્ષા ચલાવું છું. લોકોના દુ:ખ-દર્દ મટાડવાનું કામ કરું છું. ધતિંગલીલા બંધની કાયમી જાહેરાત કરું છું. લોકોની માફી માગુ છું.