રાજકોટ શહેરમાં વાહનચાલકો અને સામાન્ય જનતા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. શહેરના નાયરા એનર્જીના પેટ્રોલ પંપ પર ઇંધણના ભાવમાં અચાનક મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ અને સ્થાનિક પરિબળોની અસર વચ્ચે નાયરા દ્વારા ઇંધણના ભાવ વધારવામાં આવતાં દૈનિક મુસાફરી કરતા વાહનચાલકોના આર્થિક બજેટ ખોરવાઈ ગયા છે.
નાયરા પેટ્રોલ પંપ પર કરવામાં આવેલા નવા ભાવવધારા મુજબ, પેટ્રોલના ભાવમાં લિટર દીઠ રૂૂ. 5 નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ડીઝલના ભાવમાં પણ લિટર દીઠ રૂૂ. 3 નો ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે. આ વધારા સાથે નાયરાના પંપ પર પેટ્રોલનો નવો ભાવ વધીને રૂૂ. 106.83 પ્રતિ લિટર થઈ ગયો છે, જ્યારે ડીઝલનો ભાવ રૂૂ. 100.66 પ્રતિ લિટર પહોંચી ગયો છે.પેટ્રોલ અને ડીઝલમાં થયેલા આ તોતિંગ ભાવવધારાના કારણે દૈનિક અપ-ડાઉન કરતા નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ટ્રાન્સપોર્ટરો પર ભારે આર્થિક બોજ આવી પડ્યો છે.
ડીઝલના ભાવ રૂૂ. 100 ને પાર પહોંચી જતાં માલસામાનની હેરફેર મોંઘી બનવાની અને તેની સીધી અસર જીવનજરૂૂરી ચીજવસ્તુઓના ભાવ પર પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે. નાયરા પંપ પર ઈંધણ પુરાવવા પહોંચેલા વાહનચાલકોએ આ અચાનક ભાવવધારા સામે ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ સપ્તાહમાં જ નયારા દ્વારા ડિઝલમાં 200 લીટર અને પેટ્રોલમાં 30 લીટરની મર્યાદા લાદી હતી.
