રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી અને આસપાસના વિસ્તારોમાં આજે બપોરે ભેદી ધડાકા સાથે ધરતી ધ્રુજી ઉઠી હતી. બપોરના આશરે 12:35 મીનીટે અને 50 સેક્ધડ વાગ્યે અનુભવાયેલા આ આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, કોટડાસાંગાણી ઉપરાંત અરડોઈ, સોળીયા અને રીબડા પંથકમાં પણ ધરતી ધ્રુજવાની ઘટના નોંધાઈ હતી. અચાનક જોરદાર અવાજ સાથે જમીન કંપતા લોકો ગભરાઈને પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.
સ્થાનિકોએ જણાવ્યું કે ધ્રુજારીનો સમયગાળો ખૂબ જ ટૂંકો હતો, પરંતુ ભેદી અવાજને કારણે લોકોમાં ભયનો માહોલ વધુ જોવા મળ્યો હતો. કેટલાક લોકોએ આને ભૂકંપનો આંચકો ગણાવ્યો હતો. આ ઘટના અંગે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે, કોઈ જાનહાનિ કે માલમત્તાના નુકસાનના અહેવાલ નથી. તંત્ર દ્વારા વધુ માહિતી મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
