માંગરોળ તાલુકાના શાપુર ગામના વાસમાં રહેતા 56 વર્ષીય લખમણભાઇ કરસનભાઈ કાથડની દીકરીએ દોઢ મહિના પહેલા રાજકોટ ખાતે આપઘાત કરી લીધો હતો. દીકરીના મૃત્યુથી થયેલા ટેન્શનના લીધે વૃદ્ધે રવિવારે સાંજે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
આ અંગેની જાણ મૃતકના પુત્ર વૈભવ કાથડે કરતા માંગરોળ મરીન પોલીસે દોડી જઈને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં દોઢ મહીના પૂર્વે રાજકોટના યુનિવસિટી રોડ પર પેરેમાઉન્ટ સોસાયટીમાં પીજી તરીકે રહેતી જીજ્ઞાસા લખમણભાઇ કાથડ (ઉ.24) નામની યુવતીએ ‘હું પરિવારને મદદરૂપ થઇ શકતી નથી’ હું બહુ ઓવર થીંકીંગ કરૂં છું ચીઠ્ઠી લખી આપઘાત કરી લીધો હતો.
ત્યારબાદ તેમના પિતા આઘાતમાં ગરકાવ થઇ ગયા હતા. અન્ય કિસ્સામાં વિસાવદર તાલુકાના મુંડિયા રાવણી ગામે રહેતા 65 વર્ષીય મધુભાઈ જેરામભાઈ સરવૈયાને છેલ્લા 15 વર્ષથી ડાયાબિટીસની બીમારી હતી તેમ જ થોડા સમય પહેલા પિતાશયની પથરીનો ઓપરેશન કરાવ્યું હતું. આ બીમારીથી કંટાળી જઈને એસિડ પી લેતા મધુભાઈનું મૃત્યુ થયું હતું. પોલીસે મરનાર વૃદ્ધના પુત્રનું નિવેદન લઇ આગળની કાર્યવાહી કરી હતી.
