આજે દેશમાં રોજિંદા થતા માર્ગ અકસ્માતોની સંખ્યા ચિંતા ઉપજાવનારી છે. કારણકે ચાલુ વાહનોએ મોબાઈલ વાપરવો, વધુ પડતી ઝડપ, સીટ બેલ્ટ ના લગાવવા કે હેલ્મેટ ના પહેરવા જેવી અનેક બેદરકારીના લીધે અકસ્માતો વધ્યા છે. દરેક ચાલક માત્ર વાહનની ઝડપ ઘટાડી નાખે તો પણ અકસ્માતમાં 30 ટકા જેટલો ઘટાડો થઈ શકે. વાસ્તવમાં આજે દરેક વાહનચાલકને એટલી ઉતાવળ હોય છે કે, પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા અચકાતો નથી. આજે યુવાનો વાહનો બેફામ ચલાવતા જોવા મળે છે. વાહનો સુવિધા માટે છે, તકલીફો વધારવા નહીં.
તેવી જ રીતે, નાના-મોટા ઉદ્યોગો, ફેક્ટરીઓ, ઠેર-ઠેર બાંધકામ તેમજ ઓફિસોમાં પણ અનેક જોખમો વધ્યા છે. એક નાની ભૂલ બહુ મોટું નુકસાન કરી બેસે છે. છતાં ત્યાં બેદરકારી વર્તાય જ છે. જેમ કે, હેલ્મેટ, સેફ્ટી શૂઝ, ગ્લોઝ, સુરક્ષા કીટ, જેકેટ જેવી અનેક સેફ્ટી વસ્તુઓનો ઉપયોગ નહિવત બરાબર હોય છે. જો યોગ્ય તાલીમ તેમજ નિયમિત સલામતીની ચકાસણીઓ થાય તો આવા સ્થળોએ 60 ટકા સુધી અકસ્માતો રોકી શકાય છે. આપણી સરકાર દર વર્ષે 4 માર્ચે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ઉજવીને દેશને એ જ યાદ અપાવે છે કે,
“રોજબરોજ થતા અકસ્માતો કિસ્મતથી થતા નથી, પણ ક્ષણિક બેદરકારીના લીધે થાય છે.”
જીવનનાં ડગલે ને પગલે જોખમ છૂપાયેલું છે. ઘરોમાં પણ સમયસરની કાળજી લેવાય તો કોઈ જાનહાનિ થતી નથી. જેમ કે ગેસ સિલિન્ડર લિકેજ, ખુલ્લું વાયરિંગ, નબળી વીજ વ્યવસ્થા, રિપેરિંગ કામ નહિવત તેમજ સીડીના પગથિયાથી પડવું જેવા અનેક બનાવો આપણે આપણી આસપાસ જોયા હશે. જો સમયસર ઈલેક્ટ્રિક વાયરો રીપેર થાય, ગેસ લિકેજની ચકાસણી થાય, આવતા જતાં ગેસનો વાલ્વ બંધ થાય તેમજ બાળકોને પણ થોડાં સેફ્ટીના પાઠ ભણાવવાથી ઘરમાં વડીલો કે બાળકો સુરક્ષિત રહે છે. આમ નાની સુરક્ષા મોટી જાનહાનિ ટાળે છે.
દરેક કામદાર વર્ગ એ આપણી સૌથી મોટી સંપત્તિ છે, તેમની સુરક્ષા વગર કોઈપણ ઉદ્યોગ ટકી શકતો નથી. દરેક કામના સ્થળોએ નિયમિત સુરક્ષા તાલીમ, ઈમર્જન્સી ડ્રિલ, દરેક મશીનોની સમયસર ચકાસણી તેમજ સૌથી ખાસ સલામતી ધોરણોનું કડક ચુસ્તપણે પાલન થવું જેવા અનેક સલામતીના નિયમો સરકાર નહીં, પણ આપણે ખુદ અમલમાં મૂકવા જોઈએ. ઘણીવાર મોટી મોટી ઈમારતોમાં સલામતી ચેકિંગ જેમ કે, વીજવાયર, ગેસ લાઈનો, ફાયર સેફ્ટી જેવા અનેક નિયમો સરકારી કાયદા અનુસાર જ બન્યા હોય છે, પરંતુ સમય જતા આવાં અનેક સલામતી ઉપકરણોની ઐસી કી તૈસી કરનાર માણસો પણ આપણી આસપાસ જ રહેતાં જોવા મળે છે. પરિણામે અગ્નિકાંડ જેવી મોટી ઘાતનો ભોગ નિર્દોષ માણસો બનતા હોય છે.
દરેક સલામતી ઉપકરણો માટે સરકાર જ જવાબદાર ના હોય, મોટાભાગે આપણી જ ઘોર બેદરકારીથી આવા અકસ્માતો થાય છે, તેમજ અનેક નિર્દોષોનાં ભોગ લેવાય છે. મજૂરથી લઈને મોટા વેપારી સુધીના દરેક માણસે પોતાની સલામતી જાતે જ સમજવી જોઈએ. પછી એ રસ્તાઓ હોય, ઘર હોય કે ઉદ્યોગો દરેક જગ્યાઓ પર આપણી સલામતી આપણે ખુદ જ સાધવી પડશે. વધુ કંઈ ના કરતા ફક્ત સરકારે બનાવેલા નિયમોનું પાલન કરીશું તો પણ અનેકગણી સલામતી અનુભવીશું. જો સરકારના એક પણ કાયદાઓનું પાલન જ ના કરવું હોય એવા વ્યક્તિઓએ વિદેશના રસ્તાઓ કે નિયમોના ગુણગાન ગાવા ના જોઈએ.
અંતે, રાષ્ટ્ર્રની સુરક્ષા એ વિકાસમાં અવરોધ નહીં, પણ વિકાસને ટકાવી રાખતો આધાર છે. એક સુરક્ષિત કર્મચારી, સુરક્ષિત ઘર અને સુરક્ષિત માર્ગ આ ત્રણેય દેશની આર્થિક પ્રગતિને મજબૂત બનાવે છે. સુરક્ષા એ કોઈ વિભાગનું કામ નહીં, પણ દરેક નાગરિકની દૈનિક જવાબદારી છે. જીવનની ગતિ ગમે તેટલી ઝડપી હોય, પણ સુરક્ષાની એક જ ક્ષણ આપણી હજારો પળોને બચાવી શકે છે. તેથી જ જો સુરક્ષાને આદત બનાવીએ તો હજારો અકસ્માતો ઘટાડી શકાય છે.
