રાજ્યભરમાં દર વર્ષે મહોર્રમના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દર વર્ષે તાજીયામાં ધમાલ લેતા મુસ્લિમ બિરાદરોને ઈજા પહોંચી હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવે છે ત્યારે વધુ એક બનાવમાં મોરબીમાં રહેતાં આધેડ ગઈકાલે મધરાત્રે તાજીયામાં રમતા હતા ત્યારે છાતીના ભાગે છરી ખુંપી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. જયા ટૂંકી સારવાર દરમ્યાન આધેડે હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા પરિવારમાં માતમ છવાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીમાં રહેતાં અબ્દુલશા હાસમશા શાહમદાર નામના 55 વર્ષના આધેડ નહેરૂ બજાર વિસ્તારમાં ગ્રીન ચોક પાસે મધરાત્રે તાજીયા રમતાં હતાં ત્યારે છરી છાતીના ભાગે લાગી ગઈ હતી.
આધેડને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. જયા ટૂંકી સારવાર દરમ્યાન અબ્દુલશા શાહમદારે હોસ્પિટલના બીછાને દમ તોડી દેેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરતા મોરબી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી આધેડના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મેડિકલ કોલેજ ખાતે ખસેડયો હતો.પ્રાથમિક પૂછપરછમાં મૃતક આધેડ પાંચ ભાઇ ત્રણ બહેનમાં નાના હતા અને મજૂરી કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવતા હતા.
મૃતક આધેડને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. મૃતક આધેડ તાજીયામાં છરી સાથે ધમાલ લેતા હતા. ત્યારે છરી છાંતીમાં ખુંપી જતા ગંભીર રીતે ઇજા પહોંચવાથી મોત નીપજ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે મોરબી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
