બેટ દ્વારકામાં ગૌચરની જમીન પર કબ્રસ્તાનના બદલે મદરેશા

ડિમોલિશન સંદર્ભે વકફ બોર્ડે તેમની જણાવેલી જમીન અંગે હાઈકોર્ટમાં સરકાર પક્ષે વિવિધ રજૂઆતો દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં તાજેતરમાં ચાલી ગયેલી દબાણ હટાવ ઝુંબેશ સમય…

ડિમોલિશન સંદર્ભે વકફ બોર્ડે તેમની જણાવેલી જમીન અંગે હાઈકોર્ટમાં સરકાર પક્ષે વિવિધ રજૂઆતો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં તાજેતરમાં ચાલી ગયેલી દબાણ હટાવ ઝુંબેશ સમય બેટ દ્વારકાના ચોક્કસ વિસ્તારમાં આવેલી કબ્રસ્તાનની જમીન અંગે વકફ બોર્ડ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાંથી તોડી પાડવા સામે સ્ટેટસ ક્વો લેવામાં આવ્યો હતો. જેના સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશ સમક્ષ સરકાર વતી એડવોકેટ જી.એચ. વિર્ક દ્વારા ખૂબ જ ચોંકાવનારી દલીલો સાથે આધારો રજૂ કરાયા હતા.

દેવભૂમિ દ્વારકાના એસ.ડી.એમ. અમોલ આવટેએ આ બાબતે જણાવ્યું હતું કે જે જગ્યા પર વકફ બોર્ડ દ્વારા દાવો કરાયો છે, તે જગ્યા વકફ બોર્ડની છે જ નહીં. ટ્રસ્ટના પી.ટી.આર.માં આવી જગ્યાનો કોઈ ઉલ્લેખ જ નથી. બીજું કે જગ્યાનો હેતુ કબ્રસ્તાન માટેનો છે. ત્યાં મુસ્લિમ વ્યક્તિઓ મૃત્યુ પામે ત્યારે કબર બનાવી શકાય. પરંતુ ત્યાં મદરેસા અને પાકી કમ્પાઉન્ડ વોલ સાથે અન્ય બાંધકામો થયા છે. જે ગેરકાયદેસર ગણી શકાય.

વકફ બોર્ડ જેના પર પોતાની જગ્યા હોવાનો દાવો કરે છે તે જગ્યા અઢી થી ત્રણ હજાર ચોરસ મીટરની છે. જેના પર જુદા જુદા સ્થળોએ ગૌચર તથા સરકારી ખરાબાની જમીનોમાં સાત બાંધકામો થયા છે. જેમાં એક પણ બાંધકામ માટે સ્થાનિક પાલિકા તંત્રની કોઇ મંજૂરી લેવામાં આવી નથી. આ જગ્યાઓમાં હથિયારો તેમજ ડ્રગ્સ છુપાવવા માટે ઉપયોગ થતો હોય, તેમ અનેક કેસો પણ થયેલા છે તથા આ જગ્યા સાથે સંકળાયેલા વ્યક્તિઓ પર હથિયારોના કેસો પણ થયેલા છે. ભૂતકાળમાં 14 જેટલી પોલીસ ફરિયાદો પણ થઈ હતી.

વકફના નામથી આ જગ્યા પર બાંધકામ કરીને જે સ્થળે બનાવાયા છે, ત્યાં ભૂતકાળમાં ઈરાન તથા પાકિસ્તાન દેશના લોકો આવી ચૂક્યા છે તથા આ વિસ્તારના 38 માછીમારો પાકિસ્તાનની જેલમાં છે. ત્યારે આ જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ દેશની સુરક્ષા તથા સલામતી માટે ભયજનક સાબિત થઈ શકે છે.

વકફ બોર્ડ દ્વારા બેટ દ્વારકામાં તેમની કહેવાતી જગ્યા પર ડિમોલિશન ન કરવા સંદર્ભે જે સ્ટેટસ ક્વો લેવાયેલો છે, તેની સુનાવણીમાં ગુજરાત સરકાર તરફથી તેમના વકીલ મારફતે આધાર-પુરાવા તેમજ વિસ્તૃત દલીલો કરવામાં આવી હતી. જે પછી આગામી તારીખ 4 ફેબ્રુઆરીના રોજ ફરી વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.

સંવેદનશીલ વિસ્તારોમાં દબાણો ચાલશે જ નહીં : પ્રાંત અધિકારી
દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટેએ જણાવ્યું હતું કે બેટ દ્વારકાના અત્યંત સંવેદનશીલ વિસ્તાર ભારતીય સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના છે. અહીંથી પાકિસ્તાન માત્ર 80 નોટિકલ મેઈલ જ દૂર છે. ત્યારે અહીંના નિર્જન ટાપુઓ તથા બેટ દ્વારકા જેવા સ્થળે સરકારી ગૌચરની જમીનો પર આવી રીતે વ્યાપક દબાણો થાય તે રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર છે. જેથી સંવેદનશીલ વિસ્તારોમાં કે સરકારી ખરાબ અને ગૌચરમાં જમીન દબાણો ચલાવી જ શકાય નહીં તેમ જણાવીને આવા જમીન દબાણો દૂર કરવા અંગે પ્રાંત અધિકારીએ વધુમાં જણાવ્યું હતું. પ્રાંત અધિકારીનો ફોટો આ સાથે સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *