ઘર બહાર સૂતેલા યુવાનને ઉઠાવી જઇ સિંહણે ફાડી ખાધો

કોડીનારના વલાદરની ઘટના, પૂરતા વળતરની માંગણી સાથે પરિવારનો લાશ સ્વીકારવા ઇન્કાર ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના વલાદર ગામે સિંહણે એક યુવકને ફાડી ખાધો છે. વલાદર ગામમાં…

કોડીનારના વલાદરની ઘટના, પૂરતા વળતરની માંગણી સાથે પરિવારનો લાશ સ્વીકારવા ઇન્કાર

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના વલાદર ગામે સિંહણે એક યુવકને ફાડી ખાધો છે. વલાદર ગામમાં ગત રાત્રિના સમયે 30 વર્ષીય યુવક મહેશ પ્રતાપ રાઠોડ પોતાના ઘરની બહાર સૂતો હતો. દરમિયાન ત્યાં આવી પહોંચેલી સિંહણે યુવાન પર હુમલો કરી તેને ઘસડીને લઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ઘરથી બે કિલોમીટર દૂર યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

આ ઘટનાને પગલે ગામ સહિત આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. વનવિભાગ દ્વારા 10 લાખ રૂૂપિયાની સહાય આપવામાં આવે છે પરંતુ પરિવારજનોએ સહાય લેવાની અને મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે. આટલી સહાયમાં મૃતકના પાંચ સંતાનોનું ભરણપોષણ થઈ શકે નહીં. જેથી વધુ સહાયની માગ પરિવારજનોએ કરી છે.
મૃતક મહેશ રાઠોડના ભાઈ મુકેશ રાઠોડે જણાવ્યું કે, એ મજૂરી કરવા અહીંથી પોરબંદર ગયો હતો બે મહિના થયા છે. જામવાળા મારા દાદાનું અવસાન થયું હતું. જેથી તે જામવાળા ખબર કાઢવા આવ્યો હતો, અને ત્યાંથી ઘરે વલાદર આવ્યો હતો. ઘરે એ એકલો હતો, બીજું કોઈ સાથે હતું નહીં. મારા પપ્પાને એ બધા ગામમાં રહેતા હતા. ત્યાં આ બનાવ બન્યો હતો.

અમે સવારે જામવાળા ગયા હતા. જેથી અમને કાંઈ ખબર પડી નહીં. રાતે અમે પાછા આવ્યા ત્યારે મારા ભાઈ મળ્યો ન હતો. જેથી અમે કુટુંબવાળાને ફોન કરી જાણ કરી હતી. પણ ક્યાંય એનો પત્તો લાગ્યો નહીં. જે બાદ અમે બે-ત્રણ લોકો રાતે તેને શોધવા ગયા હતા. ત્યારે અમને આ બનાવની જાણ થતાં જ અમે ગામલોકોને અને જંગલ ખાતાવાળાને જાણ કરી હતી. સિંહણ જોવા મળી હતી પણ હજુ તે પકડાઈ નથી.

વલાદર ગ્રામ પંચાયત સરપંચ જીતુ સોલંકીએ જણાવ્યું કે, કાલે રાત્રે સિંહણ આવી હતી અને ભાઈ ટેબલ માથે સૂતા હતા,તેને ત્યાંથી ઢસડી ગઈ હતી. ગામમાં પાંજરા મુકાવ્યા છે પણ હજી સિંહણ આવી નથી. પરિવારે મને કહ્યું કે, આપણે ડેડ બોડી સંભાળવી નથી. અમને પૂરતું વળતર મળે તેવી માંગ છે ત્યા સુધી અમે બોડી નહીં સ્વીકારીએ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *