વેરાવળ તાલુકાના ઈશ્વરીયા ગામે દીપડાની અવરજવરથી ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. આજે વહેલી સવારે એક માદા દીપડી વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં પુરાઈ ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની રંજાડ અંગે મળતી ફરિયાદોને પગલે વન વિભાગે આ કાર્યવાહી હાથ ધરી હતી.
વન વિભાગની ટીમે ગત તા.7 માર્ચ ના ઈશ્વરીયા ગામે હમીરભાઈ સામતભાઈ જાદવની વાડી માં દીપડા ને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી ત્યારે આજે વહેલી સવારે અંદાજે 1 થી 2 વર્ષની માદા દીપડી આ પાંજરામાં ફસાઈ હતી.
દીપડી પાંજરે પુરાઈ હોવાની માહિતી મળતા જ વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે તમામ જરૂૂરી સાવચેતી રાખીને પાંજરે પુરાયેલ દીપડીને સુરક્ષિત રીતે કાબૂમાં લીધી હતી. ત્યારબાદ વન વિભાગ દ્વારા દીપડીને વધુ તપાસ અને સારવાર માટે અમરપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાં પશુચિકિત્સક દ્વારા તેની શારીરિક તપાસ કરવામાં આવશે. તપાસમાં દીપડી સ્વસ્થ હોવાનું નિશ્ચિત થયા બાદ તેને ફરીથી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.
આ ઘટનાના પગલે ગામજનોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે. વન વિભાગે ગ્રામજનોને જંગલી પ્રાણીઓથી સાવચેત રહેવા અને કોઈ પણ પ્રકારની અવરજવર જણાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ પણ કરી છે.
