જામનગરમાં તોફાની પવનથી લાલબંગલા નજીક વિશાળ શેડ ઉડીને લટકી પડ્યો

વીજ તાર પર તેમજ ઝાડ ઉપર શેડ લટકતાં સર્જાયો ભયનો માહોલ: ફાયર, પોલીસ અને વીજ તંત્ર ઘટનાસ્થળે દોડી સ્થિતિ કાબૂમાં લીધી જામનગર શહેરમાં આજે બપોર…

વીજ તાર પર તેમજ ઝાડ ઉપર શેડ લટકતાં સર્જાયો ભયનો માહોલ: ફાયર, પોલીસ અને વીજ તંત્ર ઘટનાસ્થળે દોડી સ્થિતિ કાબૂમાં લીધી

જામનગર શહેરમાં આજે બપોર બાદ ફૂંકાયેલા તોફાની પવનના કારણે લીમડાલેનથી લાલ બંગલા તરફ જતા માર્ગ પર આવેલા એક કોમર્શીયલ કોમ્પ્લેક્સ ખાતે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોમ્પ્લેક્સની છત ઉપર લગાવવામાં આવેલો વિશાળ પતરાનો શેડ તેજ પવનના ઝાપટામાં ઉડી જતાં લોકોમાં ભય ફેલાયો હતો.

મળતી માહિતી મુજબ પ્રતિ કલાક અંદાજે 35 થી 40 કિલોમીટર ઝડપે ફૂંકાઈ રહેલા પવનના કારણે આ શેડ અચાનક ઉડી ગયો હતો. ઉડી ગયેલો શેડ રસ્તાની વચ્ચે આવેલા વીજ તાર અને ઝાડ ઉપર લટકી પડતાં વાહનચાલકો અને આસપાસના વેપારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પીજીવીસીએલ તથા પોલીસ તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સૌપ્રથમ પીજીવીસીએલ દ્વારા સલામતીના ભાગરૂૂપે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો, જ્યારે પોલીસે માર્ગ પર અવરજવર નિયંત્રિત કરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઇજા નોંધાઈ નહોતી. જામનગર શહેરમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવી તેજ પવન સાથે ધૂળિયાં વંટોળા ફૂંકાતા અનેક વિસ્તારોમાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પીજીવીસીએલ તથા પોલીસ તંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર શાખાના સ્ટેશન ઓફિસર ઉમેશ ગામેતીના માર્ગદર્શન હેઠળ આઠ સભ્યોની ટીમે સતત ત્રણ કલાક સુધી કામગીરી હાથ ધરી હતી.

પ્રારંભિક તબક્કે હાઇડ્રા ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ ગેસ કટર અને ગ્રાઇન્ડરની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. ગેસ કટરની મદદથી ડોમના લોખંડના એંગલ અને ભાગોને સાવચેતીપૂર્વક કાપવામાં આવ્યા હતા.

પછી પીજીવીસીએલની ટીમ દ્વારા નીચેમાંથી વીજ તારને અલગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ વિભાગોની સંયુક્ત અને સુચારૂૂ કામગીરીના કારણે આખરે ડોમને સલામત રીતે જમીન પર ઉતારી લેવામાં આવ્યો હતો.

જર્જરિત મકાનો ખાલી કરવા જામનગર મનપાની આખરી ચેતવણી
જામનગર મહાનગરપાલિકાએ ખંભાળિયા હાઈવે પર અંધાશ્રમ સામે આવેલી ટી.પી. સ્કીમ નં. 2 હેઠળની એસ.ઈ.ડબલ્યુ.એસ. આવાસ યોજનાના રહેવાસીઓને જર્જરિત મકાનો તાત્કાલિક ખાલી કરવા આખરી નોટિસ જાહેર કરી છે. એફ.પી. નં. 55 અને 95 વાળી જમીન પર કુલ 117 બ્લોકમાં 1404 આવાસો બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2018થી દર ચોમાસા પૂર્વે મનપા દ્વારા જાહેર નોટિસ આપી આવાસોની ભયજનક સ્થિતિ અંગે ચેતવણી આપવામાં આવતી હતી. ત્યારબાદ જૂન-2023માં તમામ 1404 આવાસોને સત્તાવાર રીતે જર્જરિત જાહેર કરવામાં આવ્યા હતા. આગળની કાર્યવાહીમાં વર્ષ 2024થી 2025 દરમિયાન મનપાની સ્લમ શાખા, એસ્ટેટ શાખા, સિક્યુરિટી શાખા, પીજીવીસીએલ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમે સ્થળ મુલાકાત લઈ બ્લોક નં. 52થી 117 સુધીના કુલ 66 બ્લોકમાં આવેલા 792 આવાસો ખાલી કરાવી સંપૂર્ણ પાડતોડ કામગીરી હાથ ધરી હતી. હાલમાં એફ.પી. નં. 55 વિસ્તારમાં બ્લોક નં. 1થી 51 સુધીના કુલ 612 આવાસો હજુ પણ જર્જરિત હાલતમાં હોવાનું મનપાએ જણાવ્યું છે. કેટલાક આવાસો બંધ હાલતમાં સરસામાન સાથે છે જ્યારે કેટલાકમાં હજુ લોકો વસવાટ કરી રહ્યા છે. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી મનપાએ તમામ 612 આવાસ ધારકોને જાહેર નોટિસ પ્રસિદ્ધ થયાના 7 દિવસની અંદર આવાસ ખાલી કરી સલામત સ્થળે ખસી જવા તાકીદ કરી છે. અન્યથા મનપા દ્વારા એકતરફી કબજો લઈ આવાસ ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *