ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ અને આક્રમક બેટ્સમેન તેમજ ’રન મશીન’ તરીકે જાણીતા વિરાટ કોહલી આજે 5 નવેમ્બર 2026 ના રોજ પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પોતાના જન્મદિનના બરાબર એક દિવસ પહેલા ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે રમાયેલી શાનદાર મેચમાં કોહલીએ 74 રનની પ્રભાવશાળી ઇનિંગ રમીને પોતાના અંદાજમાં જન્મદિવસની ઉજવણીની શરૂૂઆત કરી દીધી હતી.
વિરાટ કોહલીએ પોતાની ક્રિકેટ કારકિર્દી દરમિયાન એવા અનેક અનમોલ રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે, જે આગામી પેઢીના ક્રિકેટર્સ માટે પ્રેરણારૂૂપ બન્યા છે. વિરાટ કોહલીએ વર્ષ 2006-07 માં દિલ્હી માટે પોતાની પ્રથમ રણજી ટ્રોફી સિઝન રમતા 9 ઇનિંગ્સમાં 257 રન બનાવીને પોતાની પ્રતિભાના એંધાણ આપી દીધા હતા, જેમાં એક અડધી સદી સામેલ હતી અને તેમનો સર્વોચ્ચ સ્કોર 90 રન હતો. ત્યારબાદ 2008-07 ની વિજય હજારે ટ્રોફીમાં તેમણે આગવું પ્રદર્શન કરતા 7 ઇનિંગ્સમાં 89.00 ની પ્રચંડ સરેરાશથી 534 રન ફટકાર્યા હતા અને તે સિઝનના સર્વોચ્ચ સ્કોરર બન્યા હતા. પોતાની પ્રથમ સૈયદ મુશ્તાક અલી ઝ20 ટ્રોફીમાં પણ તેમણે 5 ઇનિંગ્સમાં 35.80 ની સરેરાશથી 179 રન બનાવ્યા હતા.
વર્ષ 2008 ના અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કરતા કોહલીએ એક સદી સહિત 235 રન બનાવીને ભારતને વિશ્વવિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ટુર્નામેન્ટના ત્રીજા ક્રમના સર્વોચ્ચ સ્કોરર બન્યા હતા. યુવા સ્તરે ભારત માટે ટેસ્ટ અને વનડેમાં કુલ 1910 રન બનાવનાર કોહલીએ 12 યુવા ટેસ્ટમાં 932 રન (3 સદી, 6 અડધી સદી) અને 28 યુવા વનડેમાં 978 રન (1 સદી, 6 અડધી સદી) નોંધાવ્યા છે.
ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ ભારતીય ટીમનો કાયાકલ્પ કરી નાખ્યો હતો. તેમણે પોતાના કેપ્ટનશીપ કાળ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં કુલ 7 બેવડી સદી ફટકારી છે, જે ઇતિહાસમાં કોઈપણ ટેસ્ટ કેપ્ટન દ્વારા બનાવવામાં આવેલી સૌથી વધુ બેવડી સદીઓ છે. કેપ્ટન તરીકે 68 ટેસ્ટ મેચોમાં તેમણે 5,864 રન બનાવ્યા છે, જેમાં 20 સદી અને 18 અડધી સદીઓ સામેલ છે.
ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં કોઈપણ કેપ્ટન દ્વારા આ ચોથા ક્રમના સૌથી વધુ રન છે. ખાસ કરીને ઘરઆંગણે રમાયેલી તમામ 11 ટેસ્ટ શ્રેણીઓમાં વિરાટ કોહલીની આગેવાની હેઠળ ભારતીય ટીમ અજેય રહી હતી અને 11 માંથી 11 શ્રેણી જીતીને રેકોર્ડ બનાવ્યો હતો. કેપ્ટન તરીકે તેમની બેટિંગ સરેરાશ 70.02 રહી હતી, જેમાં 30 ટેસ્ટમાં 2,871 રન તેમણે 46 ઇનિંગ્સમાં 10 સદી અને 6 અડધી સદી સાથે બનાવ્યા હતા.
વિશ્વના સૌથી મુશ્કેલ ગણાતા વિદેશી પીચો પર રમાતી સેના (South Africa, England, New Zealand, Australia SENA) પરિસ્થિતિઓમાં વિરાટ કોહલીનું પ્રદર્શન હંમેશા શાનદાર રહ્યું છે. તેમણે આ દેશોમાં કુલ 12 સદીઓ ફટકારી છે, જેનાથી તેઓ મહાન સચિન તેંડુલકર (17 સદી) પછી વિદેશી ધરતી પર સૌથી વધુ સદી ફટકારનાર બીજા ક્રમના ભારતીય બેટ્સમેન બન્યા છે.
ઓસ્ટ્રેલિયાની ધરતી પર 7 ટેસ્ટ સદી ફટકારીને તેઓ ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ સદી ફટકારનાર એશિયન ખેલાડી બન્યા છે. ટેસ્ટ મેચની બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરતા કોહલીની સરેરાશ 61.78 ની હતી, જેમાં તેમણે 52 ઇનિંગ્સમાં 3,151 રન (15 સદી, 5 અડધી સદી) બનાવ્યા છે. વનડે ક્રિકેટની વાત કરીએ તો, SENA દેશોમાં કોહલીની બેટિંગ સરેરાશ 50 થી વધુ છે. તેઓ સાઉથ આફ્રિકા (76.38), ઇંગ્લેન્ડ (51.48), ન્યુઝીલેન્ડ (51.53) અને ઓસ્ટ્રેલિયા (50.03) જેવા તમામ ચારેય દેશોમાં 50 થી વધુની સરેરાશ ધરાવનાર વિશ્વના એકમાત્ર બેટ્સમેન છે.
વ્હાઇટ બોલ ક્રિકેટ અને ખાસ કરીને વનડે ઇન્ટરનેશનલ (ODI) ના સફળ રન ચેઝમાં વિરાટ કોહલીની આસપાસ પણ કોઈ ટકી શકે તેમ નથી. તેઓ વનડે ક્રિકેટના ઇતિહાસમાં સફળ રન ચેઝ કરતી વખતે સૌથી વધુ રન બનાવનાર વિશ્વના નંબર વન ખેલાડી છે. કોહલીએ સફળ રન ચેઝ કરતી વખતે 104 ઇનિંગ્સમાં 89.95 ની અવિશ્વસનીય સરેરાશથી 6,477 રન બનાવ્યા છે, જેમાં 25 ભવ્ય સદીઓ અને 30 અડધી સદીઓ સામેલ છે. કટોકટીની પળોમાં મેચ જીતાડવાની તેમની આ અદભુત ક્ષમતાએ તેમને ‘ચેઝ માસ્ટર’ ની ઉપાધિ અપાવી છે. 38 વર્ષની વયે પહોંચ્યા બાદ પણ વિરાટ કોહલીની ફિટનેસ, સમર્પણ અને રમત પ્રત્યેની ભૂખ યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂૂપ છે.
