પ્રથમ વખત ટિકિટ બારીએ બેસતી મહિલા કર્મચારી અને બીજી વખત ફાયરની ટીમે ઉગારી
પરામ રાખે તેને કોણ ચાખેથ તે વાત આજે રણમલ તળાવમાં પુરવાર થઈ છે, અને બબ્બે વખત આત્મહત્યા કરવા માટે જંપલાવી દેનાર યુવતી ને આખરે બચાવી લેવાઇ છે. ખોજાનાકા વિસ્તારમાં રહેતી રેશમાબેન સબીરભાઈ નામની 35 વર્ષની યુવતી, કે જે આજે સવારે 9 વાગ્યા ને 50 મિનિટે લાખોટા તળાવના આઠ નંબરના ગેઇટમાંથી પ્રવેશી હતી, અને કોઈ સમજે તે પહેલાં જ તળાવના પાણીમાં ઝંપલાવી દીધું હતું. જે અંગેની જાણકારી મળતાં સૌપ્રથમ આઠ નંબરના ગેઇટ પર ટિકિટ બારી સંભાળતા દિવ્યાબેન નંદા કે જેઓને તરતાં આવડતું હોવાથી તેઓએ તુરત જ તળાવના પાણીમાં છલાંગ લગાવી દીધી હતી, અને ક્ષણભરનો વિચાર કર્યા વિના રેશમાંબેનને બચાવી લીધી હતી, અને કાંઠે લઈ આવ્યા હતા.
તેની સાથે વાતચીત કરીને સમજાવટ કરતા હતા, જે દરમિયાન કોઈ પબ્લિકના માણસે ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો. જેથી ફાયરની ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જેને જોઈને રેશમાંબેને ફરીથી છટકી જઈ તળાવમાં ઝંપલાવી દીધું હતું. આથી ફાયર બ્રિગેડની ટીમ તરત જ તળાવમાં કુદી પડી હતી, અને રેશમાંબેનને બીજીવાર બચાવી લઈ સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા.
ત્યારબાદ સીટી એ. ડિવિઝન પોલીસને જાણ કરીને તેઓને સુપ્રત કરી દીધા હતા. રેશમાંબેન ને આત્મહત્યાના કારણ અંગે ફાયર બ્રિગેડ તેમજ મહાનગરપાલિકાની ટીમે અનેક પ્રશ્નો કર્યા હતા, પરંતુ તેઓએ આત્મહત્યા કરવા પાછળનું કારણ જણાવ્યું ન હતું.
જો કે સમગ્ર મામલે પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે, અને મહિલાને પ્રાથમિક સારવાર સહિતની કાર્યવાહી આગળ ચલાવાઇ રહી છે. આજે મહાનગરપાલિકાની ટિકિટ કેસ કાઉન્ટરની એક મહિલા કર્મચારી તેમજ ફાયર બ્રિગેડ ની ટુકડીની સમય સૂચકતાને લીધે એક માનવ જિંદગી બચી ગઈ છે, અને આત્મહત્યાનો પ્રયાસ કરનાર કરતાં બચાવનારા સફળ થયા છે.