જસદણના ભાડલા નજીક વેરાવળ ગામે રહેતી યુવતીએ નાની બહેન સાથે ઝઘડો થતા ઝેરી દવા પી લીધી હતી આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભાડલાના વેરાવળ ગામે રહેતી રાધિકાબેન વલ્લભભાઈ કોબીયા નામની 18 વર્ષની યુવતી બપોરના બારેક વાગ્યા અરસામાં વાડીએ હતી ત્યારે તેની નાની બહેન સાથે નજીવા પ્રશ્ને ઝઘડો થયો હતો. જેથી રાધિકાબેનને માઠુ લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી યુવતી લને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં રાધિકાબેન બે ભાઈ પાંચ બહેનમાં વચ્ચેટ છે અને નાની બહેન સાથે ઝઘડો થતાં વખ ઘોળ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં શાપરના લોઠડા ગામે રહેતા જીતેન્દ્ર તુફાનભાઈ ચૌધરી નામના 20 વર્ષના યુવાને શાપરમાં આવેલા શીતળા માતાજીના મંદિર પાસે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
