રાજકોટના ભાવનગર રોડ પર આવેલા રાજસમઢીયાડા ગામમાં એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે.જ્યાં માત્ર 20 વર્ષની નાની ઉંમરે ઋત્વિ નામની યુવતીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું છે.
મળતી માહિતી મુજબ, યુવતી પોતાના ઘરે રહીને જ ઇમિટેશન જ્વેલરીનું કામ કરતી હતી. રાત્રિના સમયે તે પોતાના ઘરના ઉપરના માળે આવેલા રૂૂમમાં હતી.ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ થતા જ પરિવારજનો તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.મૃતક યુવતી વિશે જાણવા મળ્યું છે કે તે ત્રણ બહેન એક ભાઈમાં ત્રીજા નમ્બરની હતી.
હજુ માંડ એક મહિના પહેલા જ તેની સગાઈ થઈ હતી.ઘરમાં લગ્ન અને નવા જીવનની તૈયારીઓ વચ્ચે અચાનક આ આઘાતજનક સમાચાર આવતા પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ સંકુલ ગુંજી ઉઠ્યું હતું.
