રાજકોટમાં હાઇકોર્ટની બેન્ચ સ્થાપવાની વર્ષો જૂની માંગણીને પુન: વેગ આપવા માટે આવતીકાલે એક અત્યંત અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ બેઠક આવતીકાલે સવારે 10:30 કલાકે ફૂલછાબ ચોક પાસે આવેલી હોટલ નોવા વિસ્ટા ખાતે યોજાશે. આ ખાસ બેઠકમાં રાજકોટ બાર એસોસિએશનના હોદ્દેદારો ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વકીલ મંડળોના પ્રતિનિધિઓ પણ ખાસ હાજર રહેશે. હાઇકોર્ટ બેન્ચની સ્થાપના અંગે આગળની રણનીતિ નક્કી કરવા માટે આ બેઠકને ખૂબ જ નિર્ણાયક માનવામાં આવી રહી છે.
રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચની સ્થાપના થાય તે માત્ર રાજકોટ શહેરનું જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારનું છેલ્લા 30 થી 40 વર્ષ જૂનું સ્વપ્ન છે. આ ન્યાયિક હક્ક મેળવવા માટે વકીલ મંડળો દ્વારા છેલ્લા ચાર દાયકાથી સતત આંદોલનો અને રજૂઆતો કરવામાં આવી રહી છે. અગાઉ રાજકોટ બાર એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ પરેશભાઈ મારુ દ્વારા પણ આ દિશામાં સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક કારણોસર તે કામગીરી અધૂરી રહી ગઈ હતી. હવે વકીલ આલમ આ માંગણી પૂર્ણ કરવા માટે ફરી એકજૂથ થયો છે અને વર્તમાન પ્રમુખ સુમિત વોરા તથા તેમની સમર્પિત ટીમ દ્વારા આ અધૂરા સ્વપ્નને સાકાર કરવા માટે આક્રમક પ્રયાસો પુન: હાથ ધરવામાં આવ્યા છે.
રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ મંજૂર થાય તો તેનાથી સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના ખૂણે-ખૂણેથી આવતા હજારો અરજદારો તેમજ વકીલોને સીધો અને મોટો ફાયદો થશે. હાલમાં સામાન્ય કેસો માટે પણ લોકોને અમદાવાદ સુધી લાંબા ધક્કા ખાવા પડે છે, જેનાથી સમય અને નાણાં બંનેનો વ્યય થાય છે. રાજકોટમાં બેન્ચ શરૂૂ થવાથી અમદાવાદ સુધીના આ ચક્કરોમાંથી કાયમી મુક્તિ મળશે. આ ઉપરાંત, ન્યાયિક પ્રક્રિયા સરળ અને ઝડપી બનતા સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશના સર્વાંગી વિકાસને પણ નવી દિશા મળશે. આ જ કારણસર વકીલો દ્વારા ચલાવવામાં આવી રહેલી આ લડતને સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના તમામ ક્ષેત્રોમાંથી અભૂતપૂર્વ સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે.
