વ્યાજનો વરૂ છેલ્લા એક વર્ષથી હેરાન કરી ધમકી આપતો હોવાનો આરોપ
શહેરમાં વ્યાજના વરુઓ બેફામ બન્યા હોય તેમ વ્યાજખોરોના કારણે અનેક લોકોએ આત્મધાતી પગલા ભર્યા હોવાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક બનાવમાં રેલનગરમાં રહેતા ખાણીપીણીના ધંધાર્થીએ વ્યાજખોરના ત્રાસથી કંટાળી બીમારીના વધુ પડતા ટીકડા ખાઇ લીધા હતા. આધેડને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં રહેતા પરેશભાઇ મહેશભાઇ પુરોહિત નામના 50 વર્ષના આધેડ આસ્થા ચોક પાસે હતા. ત્યારે મધરાત્રે બીમારીના વધુ પડતા ટીકડા ખાઇ લીધા હતા. આધેડને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં પરેશભાઇ પુરોહિત શ્યામ કચ્છી દાબેલીના નામે નાસ્તાની દુકાન ચલાવે છે.
ધંધા માટે 3થી 4 લાખ રૂપિયા 10 થી 15 ટકા વ્યાજે લીધા હતા. જે વ્યાજખોર છેલ્લા એક વર્ષથી હેરાન કરી ધાક ધમકી આપતો હોવાના આક્ષેપ સાથે આધેડ બીમારીના ટીકડા ખાઇ લીધા હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
