ગોંડલમાં બિસ્માર રસ્તા મુદ્દે બેટાવડના સરપંચ અને અધિકારી વચ્ચે બધડાટી

બિસ્માર રસ્તાઓને કારણે ખેડૂતો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કોલીથડની સરકારી હોસ્પિટલમાં એક્સ-રે મશીન બદલવા અને રજૂઆતો કરવા છતાં મશીન બદલવામાં…

બિસ્માર રસ્તાઓને કારણે ખેડૂતો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

કોલીથડની સરકારી હોસ્પિટલમાં એક્સ-રે મશીન બદલવા અને રજૂઆતો કરવા છતાં મશીન બદલવામાં આવ્યું નથી: આક્ષેપો

રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સામત બાંભવાએ કોલીથડ પંથકના ગામોની મુલાકાત લઈ બિસ્માર રસ્તાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન બેટાવડના સરપંચ અને માર્ગ-મકાન વિભાગના અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા. જેમાં ઉપપ્રમુખે દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડ્યો હતો. દરમિયાન કામગીરી રોકવા પાછળ ડામરની અછત હોવાનો બચાવ કર્યો હતો.

ઉપપ્રમુખ બાંભવાએ કોલીથડથી ખડવંથલી અને મોટા ઉમવાળા જતા બિસ્માર માર્ગની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ સમયે માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.આર. પટેલ, એમ.આઈ. જાડેજા અને કોન્ટ્રાક્ટર ઉપસ્થિત હતા. ગોંડલ તાલુકાના બેટાવડ નજીક નિરીક્ષણ દરમિયાન, રોડના કામમાં થઈ રહેલા વિલંબ મુદ્દે બેટાવડના સરપંચ હરુભા અને અધિકારી જાડેજા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સરપંચે રસ્તાનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા માંગ કરી હતી.

રોડના કામમાં થઈ રહેલા વિલંબ અંગે કોન્ટ્રાક્ટરે ડામર ન મળતો હોવાનું કારણ રજૂ કર્યું હતું. આ બિસ્માર રસ્તાઓને કારણે ગોંડલ માર્કેટ યાર્ડ તરફ જતા ખેડૂતો, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો દ્વારા લાંબા સમયથી આ રસ્તાના સમારકામની માંગ કરવામાં આવી રહી છે.માર્ગોની મુલાકાત બાદ ઉપપ્રમુખે કોલીથડની સરકારી હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી, જ્યાં આરોગ્ય સેવાઓને લઈને અનેક ખામીઓ પ્રકાશમાં આવી હતી.અગાઉ ભારે વરસાદને કારણે હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા હતા. આગામી ચોમાસામાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે હાલ પ્રોટેક્શન દીવાલ બનાવવાની કામગીરી ચાલુ છે. આ કામ વહેલી તકે પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે. હોસ્પિટલમાં બાળકોના ડોક્ટરની લાંબા સમયથી તાત્કાલિક જરૂૂરિયાત છે, જે હાલ ઉપલબ્ધ નથી.

હોસ્પિટલનું એક્સ-રે મશીન અત્યંત જૂનું થઈ ગયું છે. અહીં દરરોજ 20થી 25 દર્દીઓ એક્સ-રે માટે આવે છે, પરંતુ મશીન વારંવાર ગરમ થઈ જતું હોવાથી એકસાથે વધુ એક્સ-રે કરી શકાતા નથી. આ અંગે ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત કરવા છતાં મશીન બદલવામાં આવ્યું નથી, જેના કારણે દર્દીઓને મુશ્કેલી પડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *