રાજ્યભરમાં સતત વરસી રહેલા વરસાદ ધમધમતા પાણીના પ્રવાહમાં તણાય જવાથી સહિતની અન્ય દુર્ઘટનામાં અનેક લોકોના મોત નિપજ્યા છે. ત્યારે રાજકોટના લોથડા ગામે વરસાદી પાણી ભરેલા ખાડામાં છબછબીયા કરતા પાંચ વર્ષના માસૂમ બાળક અને બાળકીનું મોત નીપજ્યું હતું. બંને બાળકોના મોતથી મધ્યપ્રદેશના બંને શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના લોઠડા ગામે રહેતા મૂળ એમપીના ચંદ્રરોશન ગૌતમનો પુત્ર હિતેષ (ઉ.વ.5) અને ઓમકાર નિશાદની પુત્રી મનિષા (ઉ.વ.5) ગઈ કાલે સવારે ઘર પાસે રમી રહ્યા હતા.
નજીકમાં વરસાદી પાણી ભરેલા ખાડાં પાસે બીજા ત્રણ બાળકો રમી રહ્યા હતા. જેથી બંને ત્યાં ગયા હતા. નજીકમાં જ પાણી ભરેલો ઊંડો ખાડો હતો. જેમાં બંને છબછબીયા કરવા જતાં ડૂબી ગયા હતા. પાડોશમાં રહેતી એક બાળકીએ આ દ્રશ્ય જોતાં બંનેના પરિવારજનોને જઈ જાણ કરતાં તમામ સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે બંને બાળકોને ખાડાંમાંથી બહાર કાઢી તત્કાળ 108માં સિવીલ ખસેડયા હતા. જયાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. તે સાથે જ બંનેના પરિવારમાં કલ્પાંત મચી ગયો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર અને હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી બંને બાળકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયા હતા.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક બંને બાળકનો પરિવાર મધ્યપ્રદેશનો વતની છે. મૃતક મનીષા નિશાદ તેના માતા-પિતાની એકની એક પુત્રી હતી અને મૃતક હિતેશ ગૌતમ તેના માતા-પિતાનો આધાર સ્થંભ અને બે બહેનોનો એકનો એક લાડકવાયો ભાઈ હતો. મૃતક બંને બાળકોના ઘર નજીક વરસાદી પાણી ભરેલા ખાડામાં અન્ય બાળકો છબછબીયા કરતા હતા. જે જોઈને મનીષા નિશાદ અને હિતેશ ગૌતમ પણ છબછબીયા કરવા પહોંચ્યા હતા. છબછબીયા કરતી વખતે ઊંડા ખાડાના પાણીમાં ગરકાવ થઈ જતા બંનેના ડૂબી જવાથી મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
