સાઉદી, કતાર અને UAEની રિફાઇનરી પર ઇરાન તૂટી પડ્યું: શત્રુઓની રિફાઇનરીઓ નજીક રહેતા નાગરિકોને દૂર ભાગી જવા ચેતવણી
ઇઝરાયેલે અખાતી યુધ્ધમાં પહેલીવાર ઇરાનના ઓઇલ ક્ષેત્રો પર હુમલો કરતા બન્ને દેશોની અત્યાર સુધી બટકટાટ રહેલી લક્ષ્મણરેખાનું ઉલ્લંઘન થતાં હવે યુધ્ધ એક બીજાના ઓઇલ ક્ષેત્રો, રિફાઇનરીઓ અને તેલ ભંડારોને નષ્ટ કરવાની દિશામાં આગળ વધશે એ નક્કી થઇ ગયું છે. જેના પ્રાથમિક પ્રત્યાઘાતરૂપે ઇરાને કતારમાં અમેરિકન હિત ધરાવતા તેલ ક્ષેત્રો પર જોરદાર મિસાઇલ મારો ચલાવ્યો છે.
અમેરિકા અને ઇઝરાયેલે ઇરાન સામે યુધ્ધની શરૂઆત કરી ત્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ સતત કહેતા આવ્યા છે કે અમેરિકા કદી ઓઇલ ક્ષેત્રો પર હુમલો કરશે નહી અને એ પ્રમાણે અમેરિકી સેનાએ અદ્યાપિ ઇરાનના તેલ ભંડારો અને રિફાઇનરીઓની નજીકમાં ધમકીરૂપે હુમલાઓ કર્યા છે પરંતુ એક પણ હુમલો ઓઇલ સંબંધીત ક્ષેત્રો પર કર્યો નથી.
છેલ્લે અમેરિકાએ યાર્ગ ટાપુ પર ઇરાનની ઓઇલ વિતરણ વ્યવસ્થાની અનેનિકાસની કમર તોડવા માટે હુમલો કર્યો અને ભારે તારાજી મચાવી તો પણ ઇરાને શત્રુ દેશોના તેલક્ષેત્રો પર હુમલો કર્યો ન હતો. પરંતુ ઇઝરાયેલે ઇરાનના સૌથી મોટા ગેસ ફિલ્ડ પાર્સ પર ભીષણ હુમલો કરતા ઉર્જા માળખા પરનો આ હુમલો આખા યુધ્ધને ખતરનાક વળાંક આપનારો સાબીત થઇ રહ્યો છે. સાઉદી, કતાર અને ઞઅઊની રિફાઇનરી પર ઇરાન તૂટી પડ્યું હતું.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે બુધવારે એક અત્યંત ખતરનાક વળાંક આવ્યો છે. ઈરાનના સૌથી મોટા અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા પાર્સ ગેસ ફિલ્ડ પર ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. આ પ્રથમ ઘટના છે જ્યારે ખાડી વિસ્તારમાં ઈરાનના ઊર્જા માળખાને સીધું નિશાન બનાવવામાં આવ્યું હોય. આ ઘટનાને અમેરિકા અને ઈઝરાયલ સાથે ચાલી રહેલા તણાવમાં એક મોટા ’એસ્કેલેશન’ (સ્થિતિ વધુ તંગ થવી) તરીકે જોવામાં આવી રહી છે.
પાર્સ ગેસ ફિલ્ડ દુનિયાના સૌથી મોટા કુદરતી ગેસ ભંડારનો હિસ્સો છે, જે ઈરાન અને કતાર સંયુક્ત રીતે ચલાવતા હતા. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, આ હુમલામાં ગેસ ટેન્કો અને રિફાઇનરીના અમુક હિસ્સાને ભારે નુકસાન પહોંચ્યું છે. હુમલા બાદ તરત જ ત્યાં કામ કરી રહેલા કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે ઇમરજન્સી ટીમો તૈનાત કરવામાં આવી છે.
આ હુમલા અંગે ઈઝરાયલી મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ કાર્યવાહી અમેરિકાની સહમતિથી ઈઝરાયલ દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ ઈરાને આગામી ગણતરીના કલાકોમાં પાંચ મુખ્ય ઓઇલ અને ગેસ સુવિધાઓને નિશાન બનાવવાની આક્રમક જાહેરાત કરી છે.
પશ્ચિમી દેશો અને પ્રાદેશિક હરીફો સાથેના સંબંધો વણસતા ઈરાને આ વ્યૂહાત્મક પગલું ભરવાની તૈયારી દર્શાવી છે. આ ધમકીને પગલે સમગ્ર મિડલ ઈસ્ટમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જા બજારમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ઇરાને પોતાની નજીકની રિફાઇનરીઓ માટે ચેતવણી જાહેર કરી જેમાં સેમરેફ રિફાઇનરી સાઉદી અરેબિયા, અલ-હોસન ગેસ ફિલ્ડ સંયુક્ત આરબ અમીરાત, અલ-જુબૈલ કોમ્પ્લેક્સ સાઉદી અરેબિયા, મેસાઈદ કોમ્પ્લેક્સ કતાર, રાસ લફાન રિફાઇનરી કતાર વગેરેનો સમાવેશ થાય છે. આ ચેતવણી આ ક્ષેત્રો નજીક રહેતા નાગરિકો માટે છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેનું યુદ્ધ હવે એક અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે. અત્યાર સુધી માત્ર સૈન્ય ઠેકાણાઓ પર થતા હુમલા હવે ઊર્જા ક્ષેત્રના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થવા લાગ્યા છે. ઈરાને પોતાના સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર થયેલા ઈઝરાયલી હુમલાનો બદલો લેવા માટે કતારના અત્યંત મહત્ત્વના ’રાસ લફાન ઈન્ડસ્ટ્રીયલ સિટી’ પર હુમલો કર્યો છે.
આ હુમલાને કારણે કતારના લિક્વિફાઇડ નેચરલ ગેસ પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે અને કતાર એનર્જીએ તેનું ઉત્પાદન હાલ પૂરતું રોકી દેવાની ફરજ પડી છે. ઈરાને માત્ર કતાર જ નહીં, પરંતુ સાઉદી અરેબિયા અને યુએઈને પણ ચેતવણી આપી છે કે જો તેઓ અમેરિકા-ઈઝરાયલને સાથ આપશે તો તેમના તેલ અને ગેસના ભંડારો પર પણ આવા જ હુમલા કરવામાં આવશે.
આ યુદ્ધ ભલે ભારતથી હજારો કિલોમીટર દૂર હોય, પરંતુ તેની સીધી અસર ભારતીય રસોડા અને અર્થતંત્ર પર પડવાની પૂરેપૂરી શક્યતા છે. ભારત પોતાની જરૂૂરિયાતનો લગભગ 47% જેટલો ગેસ એકલા કતાર પાસેથી આયાત કરે છે. આંકડાકીય રીતે જોઈએ તો ભારત દર વર્ષે અંદાજે 27 મિલિયન ટન LNG આયાત કરે છે, જેમાંથી 12થી 13 મિલિયન ટન માત્ર કતારથી આવે છે. કતારના ગેસ હબ પર થયેલા આ હુમલાને કારણે વૈશ્વિક બજારમાં ગેસની કિંમતોમાં મોટો ઉછાળો આવી શકે છે. જો કતારથી આવતો ગેસ મોંઘો થશે અથવા તેનો સપ્લાય ખોરવાશે, તો ભારતમાં ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ મોટો વધારો આવી શકે છે.
કતારમાં ભારતનું હિત ધ્વસ્ત થઇ ગયું
કતારના જે તેલ ક્ષેત્રોમાંથી ભારત ઓઇલ આયાત કરે છે અને વર્ષોથી એ પ્રવાહ ચાલુ છે એના પર જ ઇરાને આક્રમણ કરતા ભારત માટે વધુ એક પેટ્રોલીયમ પુરવઠા ભંડારના દરવાજા બંધ થયા છે અને એટલી નિર્ભરતા રશીયા પર વધી ગઇ છે.
